Vadodara | Gujarat Rain Data: ગુજરાતમાં સક્રિય ચાર હવામાન સિસ્ટમોના કારણે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ત્રણેક દિવસ મન મૂકીને વરસ્યા બાદ હવે ઉત્તર અને મધ્ય ગુજરાત પર પોતાનું હેત વરસાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે આણંદ, ખેડા અને વડોદરા સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
વડોદરામાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ
વડોદરામાં લાંબા વિરામ બાદ આજે બપોરે 2 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને થોડીવારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાથી શહેરીજનો ત્રસ્ત થયા હતા. જો કે આજે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે આખા દિવસ દરમિયાન સરકારે ચોપડે વડોદરામાં 34 મિં.મી (1.3 ઈંચ) વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો
બીજી તરફ તરફ એક અંદાજ પ્રમાણે છેલ્લા 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડતાં શહેરના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ થતાં નોકરી-ધંધાથી ઘરે પરત ફરી રહેલા વાહન ચાલકો અટવાયા હતા. વડોદરાના ગોરવા, સુભાનપુરા, અલકાપુરી, સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, માંડવી, પાણીગેટ, વાઘોડિયા રોડ, આજવા રોડ, કારેલીબાગ, હરણી, નિઝામપુરા, અટલાદરા, માંજલપુર અને વારસિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.
આજે 210 તાલુકામાં મેઘમહેરઃ આણંદમાં સૌથી વધુ 50 મિ.મી વરસાદ
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી આણંદ શહેરમાં સૌથી વધુ 50 મિ.મી (1.9 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય ખેડાના નડિયાદમાં 46 મિ.મી (1.8 ઈંચ), મહેસાણાના ઊંઝામાં 36 મિ.મી (1.4 ઈંચ), વલસાડના કપરાડામાં 36 મિ.મી (1.4 ઈંચ), અરવલ્લીના ધનસુરામાં 35 મિ.મી (1.3 ઈંચ), ખેડાના માતરમાં 34 મિ.મી (1.3 ઈંચ) વરસાદ નોંધાયો છે.
સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 112 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી મહેસાણાના ઊંઝામાં 36 મિ.મી, મહેસાણામાં 19 મિ.મી, આણંદમાં 16 મિ.મી, વિસનગરમાં 16 મિ.મી, વડનગરમાં 15 મિ.મી વરસાદ વરસ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.