Vadodara: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ વડોદરા તંત્ર સતર્ક, હવેથી તમામ શાળામાં વિદ્યાર્થીઓીન સ્કૂલ બેગની ફરજિયાત તપાસ કરાશે

તમામ સ્કૂલોમાં શિસ્ત સમિતિની રચના કરવી પડશે. જેમાં આચાર્ય, શિક્ષકો ઉપરાંત વિદ્યાર્થી પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 22 Aug 2025 08:36 PM (IST)Updated: Fri 22 Aug 2025 08:36 PM (IST)
vadodara-news-student-school-bag-regular-checking-after-ahmedabad-seventh-day-school-incident-590132
HIGHLIGHTS
  • જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોને સૂચના અપાઈ
  • શિક્ષકની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં એકલા ન રાખવા કહેવાયું

Vadodara: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા નજીવી બાબતે વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાના બનાવે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી નાંખ્યું છે. જેને પગલે રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગ સતર્ક જોવા મળી રહ્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શાસનાધિકારીએ જાહેર કરેલા આદેશ મુજબ, શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની અચાનક અને નિયમિત તપાસ કરવામાં આવશે.

આ ઉપરાંત સ્કૂલ સેફટી પોલિસી-2016 અંતર્ગત વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાના રહેશે. તમામ શાળાઓએ શિસ્ત સમિતિની રચના કરવી ફરજિયાત રહેશે. જેમાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિ શાળા પરિસર, રમતના મેદાન તથા આવાગમન દરમિયાન સલામતી સુનિશ્ચિત કરશે.

શિક્ષકની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં એકલા ન રાખવા તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જોડવાના રહેશે. શિક્ષકો તથા આચાર્યોએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નૈતિક જવાબદારી નિભાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

વધુમાં, શાળાઓએ વાલીઓને સમયાંતરે બેગ ચકાસણી માટે સૂચના આપવાની રહેશે તથા કોઈ અસાધારણ ઘટના બનતી હોય તો તેની તાત્કાલિક જાણ શિક્ષણ કચેરીને કરવી ફરજિયાત રહેશે. આ તમામ સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પત્રક જારી કરવામાં આવ્યું છે.

આ પગલાંઓનો હેતુ શાળાઓમાં સુરક્ષિત વાતાવરણ ઉભું કરવાનો તથા વિદ્યાર્થીઓમાં શિસ્ત જાળવવાનો છે, જેથી આવનારા સમયમાં આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને.