Surat: શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતી વખતે મહિલા રત્ન કલાકારનો દુપટ્ટો ઘંટીની સરેણમાં ફસાઈ જતાં તેના માથાના વાળ ખેંચાઈને છૂટા પડી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. હાલ તો આ મહિલા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ચોક બજારમાં પરિવાર સાથે રહેતી 30 વર્ષીય મહિલા કતારગામ સ્થિત એક કારખાનામાં હીરા ઘસવાનું કામ કરે છે. બે દિવસ પહેલા 20 ઓગસ્ટના રોજ સવારે સાડા અગિયારના અરસામાં આ રત્નકલાકાર મહિલા હીરા ઘસવાની ઘંટી પર કામ કરી રહી હતી.
Vadodara: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ વડોદરા તંત્ર સતર્ક, હવેથી તમામ શાળામાં વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની ફરજિયાત તપાસ કરાશે
આ દરમિયાન અચાનક મહિલાના ખભા પર રહેલો દુપટ્ટો સરકીને ઘંટીની સરેણમાં ફસાઈ ગયો હતો. જોત-જોતામાં દુપટ્ટા સાથે મહિલાના વાળ પણ ઘંટીમાં ખેંચાઈ ગયા હતા અને છૂટા પડી ગયા હતા.
આ પણ વાંચો
આ સમયે ત્યાં હાજર અન્ય કામદારોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે માથા પરથી વાળ ખેંચાઈ જવાના કારણે મહિલાને ખૂબ જ લોહી નીકળી રહ્યું હતુ. આથી તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર અર્થે મહિલાને લાલદરવાજા સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ દુર્ઘટનાના બે દિવસ બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલાના વાળ ખેંચાઈને દૂર પડેલા જોઈ શકાય છે. સોશિયલ મીડિયામાં ફરતા વીડિયોમાં મહિલાનું માથું જ ધડથી અલગ થઈ ગયું હોવાનું કહેવામાં આવતું હતુ. જો કે તપાસના અંતે મહિલા જીવિત હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ મામલે કતારગામ પોલીસે જાણવા જોગ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.