Ahmedabad School Stabbing: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આજે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે હજુ પણ સ્કૂલના સંચાલકોની મુશ્કેલી વધી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી શકે છે.
હકીકતમાં 10465 ચોમી ક્ષેત્રફળમાં ફેલાયેલી સેવન્થ ડે સ્કૂલ 99 વર્ષના ભાડા પટ્ટા પર આપવામાં આવી છે. 2001માં સ્ટેન્ડિંગ કમિટીમાં આ બાબતનો ઠરાવ આવ્યો હતો અને સ્કૂલ સંચાલકોએ 20 લાખની રકમ જમા પણ કરાવી હતી. જે બાદ 12 ઓક્ટોબર 2001ના રોજ શાળા સંચાલકોને કબજો સોંપવામાં આવ્યો હતો.
આ મામલે AMCની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાએ જણાવ્યું કે, સેવન્થ ડે સ્કૂલને મ્યુનિસિપાલિટીની જમીન લીઝ પર આપી છે. જેમાં લીઝના નિયમોનું પાલન થયું છે કે કેમ તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સંદર્ભે જે કાર્યવાહી થતી હોય તેના વિશે તેમજ જો કોઈ પરિવાનગી વિનાનું બાંધકામ હોય તો તેની પણ જાણ કરવાનું કહેવામાં આવ્યું છે.