Ahmedabad School Stabbing: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને પગલે ઉગ્ર વિરોધ પ્રદર્શન: NSUI કાર્યકર્તાઓની અટકાયત, પોલીસ સાથે ઘર્ષણ

પોલીસે આશરે 40 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 21 Aug 2025 03:36 PM (IST)Updated: Thu 21 Aug 2025 03:53 PM (IST)
ahmedabad-seventh-day-school-tension-escalates-nsui-and-students-protest-police-brutality-clash-with-cops-589295

Ahmedabad School Stabbing Case: મણિનગર સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવને પગલે આજે NSUI અને અન્ય સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, જેના પગલે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગઈકાલે NSUI દ્વારા શાળાને તાળાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે સવારે NSUIના કાર્યકર્તાઓ શાળા પર તાળાબંધી કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેઓને અટકાવી દીધા હતા. પોલીસે આશરે 40 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટનાના પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ શાળા સામે પગલાં લેવાની માંગણી કરી રહ્યા છે. રહીશો સહિત તમામ લોકો ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ શાળામાં તોડફોડ પણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. NSUIના કાર્યકર્તાઓનું કહેવું છે કે શાળા તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીનું મોત થયું છે. તેઓ શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.

NSUIના કાર્યકર્તાઓ શાળાને તાળાબંધી કરવા પહોંચ્યા હતા

મળતી વિગતો અનુસાર, NSUIના કાર્યકર્તાઓ શાળાને તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા, જેની જાહેરાત ગઈકાલે જ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળા સંચાલન પર વિદ્યાર્થીની હત્યા માટે જવાબદાર હોવાનો આરોપ મૂક્યો હતો. વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં શાળામાં પહોંચાડવા છતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ન હતો, અને શાળાની ઘોર બેદરકારી હતી.

40થી વધુ NSUIના કાર્યકર્તાઓની અટકાયત

વિદ્યાર્થીઓએ પણ સુરક્ષાની માંગણી કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવા જણાવ્યું હતું. મણિનગર સ્ટેશન આસપાસની દુકાનોને પણ બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી અને મણિનગર તેમજ ઈસનપુર વિસ્તારમાં દુકાનો અને કોમ્પ્લેક્સ બંધ કરાવવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ 'જય શ્રી રામ'ના નારા સાથે બાઇક રેલી કાઢીને પણ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ સવારથી જ શાળા બહાર મોટા બંદોબસ્ત સાથે તૈનાત હતી. વિરોધ કરવા આવેલા 40થી વધુ NSUIના કાર્યકર્તાઓ સહિત પ્રદર્શકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા

પોલીસે વિરોધકર્તાઓને પકડી પકડીને બસો અને વાનોમાં ભરીને લઈ ગયા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો. આઇ ડિવીઝન એસીપી કુણાલ દેસાઈએ જણાવ્યું હતું કે 50 થી 60 લોકોની અટકાયત કરવામાં આવી છે અને લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, આ ઘટના સંબંધિત બે FIR નોંધાઈ છે. એક વિદ્યાર્થીની હત્યા માટે અને બીજી શાળામાં થયેલી તોડફોડ માટે, જેમાં 400 થી 500 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને 15 લાખ રૂપિયાનું નુકસાન નોંધવામાં આવ્યું છે. શાળાના સંચાલક મયુરિકા પટેલ ફરિયાદી બન્યા છે.