Vadodara: વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મેમો ઉઘરાવવામાં મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. હરણી વિસ્તારમાં રહેતા મોક્ષેસ છાઝળને તાજેતરમાં મળેલ મેમો જોઈ તેઓ ચોંકી ઊઠ્યા હતા. હકીકતમાં મોક્ષેસ કાર ચલાવતા હોવા છતાં તેમને હેલ્મેટ ન પહેરવા બદલ દંડનો મેમો ફટકારાયો હતો.
મોક્ષેસને મળેલા મેમા પર સ્પષ્ટપણે તેમની કારની વિગતો, નંબર પ્લેટ સહિતની માહિતી દર્શાવવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, મેમોમાં દર્શાવેલ ફોટોગ્રાફ બાઇકનો હતો. આથી દંડનું કારણ કાર માટે લાગુ પડતું નથી. આમ છતાં બાઇકનો ફોટો જોડીને મેમો મોકલવામાં આવ્યો. આ ઘટનાએ ટ્રાફિક પોલીસની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો
મોક્ષેસ છાઝળે આ મુદ્દો સામે લાવતા જણાવ્યું કે, મારી પાસે કાર છે, અને મેમોમાં કારની વિગતો સાચી છે, પરંતુ ફોટો બાઇકનો કેવી રીતે આવી ગયો? આવી ભૂલ માત્ર એક જ કિસ્સામાં નહીં, પરંતુ અનેક લોકો સાથે થાય તો નિર્દોષ લોકોને ખોટો દંડ ભરવો પડે છે.
આ બનાવ સામે આવ્યા બાદ શહેરના નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. ટ્રાફિક નિયમનોનો ભંગ રોકવા માટે કડક કાર્યવાહી જરૂરી છે, પરંતુ આ પ્રકારની બેદરકારીથી સિસ્ટમ પરનો વિશ્વાસ ઘટે છે. જવાબદાર તંત્રએ તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર સામે પગલાં લેવા જોઈએ, એવી માંગ ઉઠી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ટ્રાફિક વ્યવસ્થામાં ટેક્નોલોજીનો ઉપયોગ થાય ત્યારે તેની સુચારૂ કામગીરી પણ એટલી જ મહત્વપૂર્ણ છે, નહિંતર આવા છબરડા કિસ્સાઓ સામાન્ય બની જશે.