Ahmedabad Student Murder: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે MLA ઈમરાન ખેડાવાલાનું નિવેદન, કહ્યુંઃ આરોપીને કડક સજા થાય

પોલીસે 500 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજે, મૃતક વિદ્યાર્થી માટે યોજાયેલી પ્રાર્થના સભામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ હાજર રહ્યા હતા.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 22 Aug 2025 12:41 PM (IST)Updated: Fri 22 Aug 2025 01:02 PM (IST)
ahmedabad-student-murder-imran-khedawala-seeks-harsh-punishment-589829
HIGHLIGHTS
  • સામાન્ય બોલાચાલીમાં ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને ચાકુ મારીને હત્યા કરી નાખી.
  • આ ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Ahmedabad School Murder Case: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક ગંભીર ઘટના બની છે. સામાન્ય બોલાચાલીમાં ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને ચાકુ મારીને હત્યા કરી નાખી. આ ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધને કારણે સ્કૂલ દ્વારા હાલ પૂરતું ઑફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ, પોલીસે 500 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજે, મૃતક વિદ્યાર્થી માટે યોજાયેલી પ્રાર્થના સભામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ હાજર રહ્યા હતા. તેમણે આ ઘટનાના આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી.

આરોપીને કડક સજા મળે: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા

ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, બનેલી ઘટના અત્યંત દુઃખદ છે અને સમસ્ત મુસ્લિમ સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. બાળકોની માનસિકતા પર જે પ્રકારે અસર થઈ છે તે ખૂબ જ દુઃખની વાત છે અને સમગ્ર ગુજરાતમાં આવી ઘટના ન બનવી જોઈએ. તેઓ માને છે કે જે કસૂરવાર અને ગુનેગાર છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. પોલીસ કમિશનર સાહેબ જોડે વાત થઈ છે અને તમામ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ ક્રાઈમ બ્રાન્ચ તટસ્થ તપાસ કરીને જે ગુનેગાર છે તેમને કડકમાં કડક સજા અપાવશે. ગુજરાતની 6 કરોડ પ્રજા કોઈ પણ સંજોગમાં આવી ઘટનાઓને ચલાવી ન લે.

તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોની માનસિકતા જે પ્રકારે અત્યારે ટીવી, સોશિયલ મીડિયા કે વેબ સિરીઝ જોઈને પ્રાપ્ત થઈ રહી છે, તેના માટે તેઓ સમજે છે કે પરિવારના લોકો અને સોસાયટીના લોકોની પણ ઘણી જવાબદારી છે. તેમણે ડીઈઓ ઓફિસના ચૌધરી સાહેબ સાથે વાત કરી છે અને કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાનારી સંકલન સમિતિ અમદાવાદ શહેરની 12 વાગ્યેની મીટીંગમાં પણ આ મુદ્દો ઉઠાવશે. જો કોઈ જગ્યાએ કમી રહી હોય તો સ્કૂલ મેનેજમેન્ટ પર પણ કાર્યવાહી થવી જરૂરી છે.