Paresh Goswami Ni Agahi: ગુજરાત એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યું છે. ખાસ કરીને જ્યાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, તેવા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા બે દિવસથી બઘડાટી બોલાવી રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.
24 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ રહે
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 16 થી 24 ઓગસ્ટ સુધી ચાલનારા આ રાઉન્ડમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. ખાસ કરીને જે ભાગોમાં હજુ જોઈએ તેટલો વરસાદ નથી પડ્યો, ત્યાં પણ આ રાઉન્ડમાં સારો એવો વરસાદ ખાબકશે.
ખાસ કરીને ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકાંઠાને અડીને આવેલા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. જે પૈકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલની સ્થિતિએ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદની તીવ્રતા યથાવત રહેતા અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંતર અત્યંત ભારે વરસાદ પડશે. જેમાં એકાદ બે સેન્ટરમાં 10 થી 15 ઈંચ સુધી ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે જ મધ્ય પ્રદેશની બોર્ડરને લાગુ જિલ્લાઓ જેમ કે પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં પણ વરસાદની તીવ્રતા વધી જશે. કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હાલ હળવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ 24 કલાક બાદ ત્યાં પણ તીવ્રતા વધી શકે છે.