Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કર્યાં બાદ ઓગસ્ટ શરૂ થતાં જ વરસાદનું જોર ઘટી ગયું હોય તેમ લાગી રહ્યું છે. જો કે છેલ્લા ત્રણેક દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં ઝાપટા નોંધાઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યના અન્ય ભાગોમાં ભયંકર બફારા અને ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, હાલ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે આવનારા દિવસની અંદર વધારે મજબૂત બનશે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ આગળ વધીને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર સુધી આવીને વધુ મજબૂત બનશે.
મજબૂત લો પ્રેશરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ
આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો સિયર ઝોન અરબ સાગર સુધી લંબાશે. જ્યાં અરબ સાગરનો ભેજ મળવાથી આ સાયક્લોનિક સર્કયુલેશન મજબૂત થઈને લો પ્રેશરમાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ લાવી શકે છે.
જેના પરિણામે આગામી 16 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 5 થી 10 ઈંચ સુધીનો અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં 3 થી 6 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. આ રાઉન્ડમાં કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે. હાલ આ સિસ્ટમ આંધ્ર પ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે છે. આગામી 5 થી 8 દિવસ દરમિયાન એટલે કે 16 ઓગસ્ટથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં સારો વરસાદ વરસી શકે છે. જ્યારે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે, ત્યારે હળવા થંડર સ્ટ્રોમ થવાની પણ શક્યતા રહેલી છે. જેના કારણે ગાજવીજ સાથે વરસાદ પડશે.
ગુજરાતમાં સિઝનનો 64.62 ટકા વરસાદ વરસ્યો (Gujarat Rain)
આ વર્ષે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 64.62 ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 69.10 મિ.મી વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો 56.70 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે.