Ahmedabad Rain News: ઉપરવાસમાં છેલ્લા થોડા દિવસથી થયેલા અતિભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીના પાણી ધસમસતા પ્રવાહમાં પસાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરી એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
ગાંધીનગરના સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં 60,000 ક્યુસેકથી વધુ પાણીની આવક દેખાઈ રહી છે. આ પાણી વાસણા બેરેજ ખાતે પહોંચતા, તંત્ર દ્વારા ગઈકાલ રાતથી જ વાસણા બેરેજના 25 ગેટ 6 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા હતા. હાલ વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં 35,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીમાં પાણીની પુષ્કળ જાવક જોવા મળી રહી છે.
સાબરમતી નદીમાં નવા નીરની આવક જોવા માટે મોટી સંખ્યામાં લોકો બ્રિજ ઉપર એકઠા થઈ રહ્યા છે, જેમાં કેટલાક લોકો સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવા માટે સુભાષ બ્રિજ સહિતના વિસ્તારોમાં સુરક્ષા અને પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. હજી પણ આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા અને સલામતી જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.