Junagadh: ગત વર્ષે બેંગ્લુરુના 34 વર્ષીય સૉફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સહિત સાસરિયાના ત્રાસથી 24 પેજની સ્યુસાઈડ નોટ અને 1 કલાકના વીડિયોમાં પોતાની વેદના ઠાલવીને મોતને વ્હાલુ કર્યું હતુ. જે બાદ પત્નીના ત્રાસથી પતિઓને બચાવવા માટે કાયદામાં સુધારા કરવા સંદર્ભે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પત્ની પીડિત પુરુષોની સંસ્થાઓએ દેખાવો કર્યા હતા. એવામાં આવો જ વધુ એક બનાવ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાંથી સામે આવ્યો છે.
હકીકતમાં ભેંસાણ તાલુકાના માલીડા ગામના જયેશ પંચાસરા (35)એ આજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. અંતિમ પગલું ભરતા પહેલા જયેશે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે પોતાની પત્ની અને સાસરિયાથી કંટાળી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
અંતિમ વીડિયોમાં પોતાની વ્યથા ઠાલવતા જયેશે જણાવ્યું કે, છેલ્લા 4 વર્ષથી મારી પત્ની, સાળા અને સાસુ મને ત્રાસ આપી રહ્યા છે. તેઓ મારી દીકરીને મળતા પણ દેતા નથી કે, દીકરીને મારી પાસે મોકલતા પણ નથી. તેઓ દીકરીને મને ફોન પણ કરવા નથી દેતા. જ્યારે હું દીકરીને મળવા જાઉ, ત્યારે તેઓ મને મારવા માટે દોડે છે. આથી કંટાળીને આજે હું આત્મહત્યા કરી રહ્યો છું.
આ મામલે મૃતક જયેશ પંચાસરાના ભાઈ દીપક પંચાસરાએ ભેસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકની પત્ની, સાળા અને સાસુ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસમાં ચક્રો ગતિમાન કર્યાં છે.