Dahod: ઈલેક્ટ્રિક મોપેડની બેટરીમાં બ્લાસ્ટના બનાવો અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે આવો જ વધુ એક બનાવ દાહોદ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં મોપેડની બેટરી ધડાકા સાથે ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. જેના પરિણામે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દાહોજના ઠક્કર ફળિયામાં રહેતા જૈનુદ્દીન ટ્રંકવાળાએ પોતાના મકાનના પાર્કિંગમાં ઈલેક્ટ્રિક મોપેડની બેટરી ચાર્જિંગ માટે મૂકી હતી. આ દરમિયાન અચાનક શોર્ટસર્કિટ થતાં બેટરીમાં બ્લાસ્ટ થયો હતો અને જોત-જોતામાં આગ ભભૂકી ઉઠી હતી.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાર્કિંગમાં પડેલા અન્ય ત્રણ મોપેડ અને એક સાયકલ તેમજ ઘરમાં રહેલી ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી.
બીજી તરફ આગ સાથે ધુમાડાના ગોટા ઉડતાં જોતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને MGVCLને જાણ કરી હતી. આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વીજ પૂરવઠો બંધ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી નથી.
જણાવી દઈએ કે, ઈલેક્ટ્રિક વાહનોમાં બેટરી બ્લાસ્ટ થવાના અનેક કારણો હોઈ શકે છે. બેટરીની ખોટી જાળવણી, ચાર્જિંગ કરવાની ખોટી રીતના કારણે મોટાભાગના બ્લાસ્ટ થતાં હોય છે. જે રાઈડર તેમજ વાહન બન્ને માટે ગંભીર ખતરો પેદા કરે છે. એવામાં આ ઘટના ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરતી વખતે સાવચેત રહેવા તરફ ધ્યાન દોરી રહી છે.