Vikram Samvat 2080 Yearly Horoscope: નવા વર્ષ વિક્રમ સંવત 2080માં કેવાં રહેશે તમારા ગ્રહો-નક્ષત્રો? વાંચો તમારી રાશિનું સંપૂર્ણ વાર્ષિક રાશિફળ

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Tue 14 Nov 2023 07:30 AM (IST)Updated: Mon 11 Dec 2023 02:24 PM (IST)
vikram-samvat-yearly-2080-horoscope-hindu-nav-varsh-vikram-samvat-2080-rashifal-for-all-zodiac-signs-in-gujarati-232224

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Vikram Samvat 2080 Yearly Horoscope (વિક્રમ સંવત 2080 નુ રાશિફળ):
આજે ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2080 શરુ થયું છે. ગુજરાતીઓ માટે નવું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તમામ રાશિના જાતકોને પોતાનું આ નવું વર્ષ કેવું રહેશે તે જાણવાની એક ઈચ્છા હોય છે. તો આ અહેવાલમાં આપણે જાણીશું કે આ વર્ષ મેષથી લઈને મીન રાશિના જાતકોનું કેવું રહેવાનું છે. જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યાએ કરેલા વિક્રમ સંવત 2080નું ફળકથન તમે અહીં નીચે તમારી રાશિ અનુસાર વાંચી શકશો.

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. નવા વર્ષની શરુઆતમાં જ રાહુ મહારાજ કે જેઓ અઢી વર્ષથી તમારી રાશિ પરથી પસાર થઈ રહ્યા હતા, તેઓ 30 ઓક્ટોબર 2023ના રોજ મીન રાશિમાં પ્રવેશી ચૂક્યા છે. જેથી અઢી વર્ષથી તમે જે મહેનત કરી રહ્યા છો તેનું પરિણામ તમને આ નવા વર્ષે પ્રાપ્ત થશે. પરંતુ મીન રાશિ તમારાથી બારમી રાશિ હોવાથી ખર્ચા પણ આ વર્ષે વધુ આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી શકાય છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આ નવું વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. અઢી વર્ષથી રાહુ મહારાજ તમારી રાશિથી બારમે બેસી તમને ખૂબ હેરાન કરી રહ્યા હતા તે 30 ઓક્ટોબર 2023ના રોજ ગોચર કરી મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જે તમારાથી લાભ સ્થાનમાં ગોચર કરશે. આ વર્ષ દરમિયાન તમને ખૂબ લાભ મળવાનો છે. અધૂરા દરેક કાર્યો પૂરા થશે. જીવનમાં કઈંક નવું કરવાની તક મળશે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. લાંબા ગાળે રાશિ પરિવર્તન કરતા ગ્રહો જેવા કે રાહુ-ગુરુ-શનિ-કેતુ તમારા જીવનમાં અસર કરશે. વર્ષની શરુઆતમાં રાહુ તમારી રાશિથી દસમાં સ્થાને હોવાથી કાર્યક્ષેત્રે તમારા જીવનમાં કોઈ પરિવર્તન ચોક્કસથી આવી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાંથી છૂટકારો મળશે. જીવનમાં જવાબદારીઓ પણ વધી શકે છે.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે નવું વર્ષ થોડું મિશ્ર રહેવાનું છે. તમારી રાશિને હાલ શનિની ઢૈય્યા (અઢી વર્ષની નાની પનોતી) ચાલી રહી છે. જેના કારણે તમે હાલ થોડા મુંઝાયેલા રહેશો. કાર્ય ઝડપથી પૂરા નહીં થાય. અટકાયેલા પૈસા નહીં મળે. આ ચિંતાઓના કારણે નાસિપાસ થવું નહીં શનિદેવ મોડા ફળ આપે છે, બસ તમારું કાર્ય કરતા રહેવું, તમને વર્ષના અંત સુધીમાં ફળ મળશે જ.

સિંહ રાશિ
આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે મીશ્ર રહેવાનું છે. જવાબદારીઓમાં એકાએક વધારો થશે. વર્ષ દરમિયાન રાહુ-કેતુ-ગુરુ-શનિ જેવાં લાંબા ગાળે પરિવર્તન કરતા ગ્રહોનું ગોચર ખૂબ અસર કરે છે. વર્ષની શરુઆતમાં એટલું સારું નહીં પણ વર્ષનો મધ્ય ભાગ શુભ ફળ આપશે. શનિની દ્રષ્ટિ તમારી રાશિ પર હોવાથી દરેક કાર્યમાં મોડુ ફળ મળશે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ થોડું સંઘર્ષમય બની રહેશે. વર્ષની શરુઆતમાં કેતુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ્યા છે, જેથી તમને તમારું જોઈતું ફળ મોડું મળશે. ધાર્મિકતામાં વધારો થશે, જ્યોતિષ-ગૂઢ વિદ્યાઓમાં અચાનક રુચિ વધતી જોવા મળશે. આરોગ્ય સાચવવું જરુરી. કોઈ દેવું લીધું હોય તો આ વર્ષે તે ચૂકવી દેશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો જણાશે.
કન્યા રાશિ- વ્યવસાય, સ્વાસ્થ્ય, લગ્નજીવન, અભ્યાસ અંગે સંપૂર્ણ રાશિફળ વાંચવા માટે અહીં ક્લિક કરો.

તુલા રાશિ
તુલા રાશિ માટે આ વર્ષ મિશ્ર રહેવાનું છે. ગુરુ-શનિ-રાહુ-કેતુ જેવા લાંબાગાળે રાશિ પરિવર્તન કરતા ગ્રહો તમને આ વર્ષે ખૂબ અસર કરવાના છે. ગુરુ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે, જે શત્રુ વિજય તેમજ કોર્ટ-કચેરીના કેસોમાં વિજય અપાવશે. પરંતુ સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું. માતાના સ્વાસ્થ્ય પાછળ પૈસાનો ખર્ચ થશે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ શુભ રહેવાનું છે. જો તમે કોઈ બિમારીનો સામનો કરી રહ્યા હતા તો આ વર્ષે તમને તેમાંથી છૂટકારો મળશે. ગુરુ-શનિ-રાહુ-કેતુ જેવા લાંબા ગાળામાં રાશિ બદલતા ગ્રહો તમને આ વર્ષે ખૂબ અસર કરવાના છે. મોસાળ તરફથી આ વર્ષે તમને ખૂબ ફાયદો થવાનો છે. કર્મસ્થાને પ્રમોશનના યોગ બની રહ્યા છે.

ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. રાહુ-કેતુ-ગુરુ-શનિ જેવા લાંબા ગાળે રાશિ પરિવર્તન કરતા ગ્રહોનું ગોચર આ વર્ષે તમારા જીવનમાં ખૂબ અસર કરશે. 2023ની શરુઆતમાં તમારી શનિની સાડાસાતીનો અંત થયો હતો તેથી આ વર્ષ તમારું શુભ રહ્યુ હતું, હવે આ વર્ષ તેનાથી પણ શુભ રહેવાનું છે કારણે આ વર્ષે તમારા જીવનમાં કેટલીક નવી વસ્તુઓ આવશે, જેના કારણે તમારા ભૌતિક સુખોમાં વધારો થશે.

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે નવું વર્ષ જવાબદારીઓથી ભરેલું રહેશે. શનિ-રાહુ-કેતુ-ગુરુ જેવા લાંબા ગાળે ગોચર કરતા ગ્રહો આ વર્ષ દરમિયાન તમને અસર કરશે. હાલ તમારી સાડાસાતી ચાલી રહી છે, જેનાં કારણે જીવનમાં ખૂબ જ પડકારોનો સામનો કરવો પડશે. વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે. મકાન-વાહનના પણ યોગ બનશે.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080નું નવું વર્ષ મિશ્ર રહેવાનું છે. શનિ તમારી રાશિમાંથી જ પસાર થઈ રહ્યો હોવાથી વધુ મહેનત કરવી પડશે. કોઈ કામ સમય પર પૂરા નહીં થાય. સંબંધોમાં તિરાડ પડશે. ગુરુ-રાહુ-કેતુ-શનિ જેવા લાંબા ગાળે ગોચર કરતા ગ્રહો તમારા જીવનમાં સૌથી વધુ અસર કરશે. સાહસ કરશો તો વધુ સફળ થશો. આ વર્ષ દરમિયાન નક્કામાં ખર્ચા થશે.

મીન રાશિ
આ વર્ષે મીન રાશિના જાતકોનું પડકારભર્યું રહેશે. વર્ષની શરુઆતમાં તમારી રાશિમાં રાહુ મહારાજ પ્રવેશ્યા છે, રાહુ મહારાજ તમારા જીવનમાં સંઘર્ષ લાવશે. હા અમુક બાબતે વર્ષ સારુ રહેશે જેમકે નવું વાહન-મકાન વસાવી શકો છો. ધંધામાં પણ સફળતાના નવા શિખરો પ્રાપ્ત કરશો. હાડકા સંબંધિત રોગો ન થાય તેનું ધ્યાન રાખવું.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.