અક્ષત પંડ્યા, અમદાવાદ.
Leo Vikram Samvat 2080 Yearly Horoscope | Sinh Vikram Samvat 2080 Yearly Horoscope | સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે મીશ્ર રહેવાનું છે. જવાબદારીઓમાં એકાએક વધારો થશે. વર્ષ દરમિયાન રાહુ-કેતુ-ગુરુ-શનિ જેવાં લાંબા ગાળે પરિવર્તન કરતા ગ્રહોનું ગોચર ખૂબ અસર કરે છે. વર્ષની શરુઆતમાં એટલું સારું નહીં પણ વર્ષનો મધ્ય ભાગ શુભ ફળ આપશે. શનિની દ્રષ્ટિ તમારી રાશિ પર હોવાથી દરેક કાર્યમાં મોડુ ફળ મળશે.
ગ્રહોના ગોચર પર આંશિક નજર
ગુરુ મહારાજનું ફળ-
વર્ષની શરુઆતમાં ગુરુ મહારાજ તમારી રાશિથી ભાગ્ય સ્થાનમાં ગોચર કરી રહ્યા છે. જે શુભ બાબત ગણી શકાય. નોકરી-ધંધા ક્ષેત્રે આ ગોચર ખૂબ સારુ ફળ આપશે. તમે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તેવું પરિવર્તન આ વર્ષે તમને જોવા મળશે. નવા વાહન-મિલકતની પણ સંભાવના વધી ગઈ છે.
શનિદેવનું ફળ-
અગાઉ જણાવ્યું તે અનુસાર શનિદેવ તમારી રાશિથી સાતમે પરિભ્રમણ કરી રહ્યા છે. શનિદેવની સીધી દ્રષ્ટિ તમારી રાશિ પર પડી રહી છે. જેથી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ન્યાયપ્રિય ગ્રહ હોવાથી આ વર્ષે કોઈ પણ ગેરકાયદે કાર્ય કરવું નહીં.
રાહુ મહારાજનું ફળ
રાહુ મહારાજ વર્ષની શરુઆત તેમજ સમગ્ર વર્ષ દરમિયાન તમારી રાશિથી આઠમા સ્થાને પરિભ્રમણ કરશે. જે એક અશુભ બાબત કહી શકાય. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, વાહન સંભાળીને ચલાવવું. અકસ્માતના યોગ છે.
વ્યવસાય
વ્યવસાય ક્ષેત્રે સિંહ રાશિના જાતકોને ખૂબ ફળદાયી વર્ષ રહેવાનું છે. મે 2024 પછી તમને કોઈ સારી ઓફર મળી શકે છે. ભાગીદારીમાં ધંધો કરતા જાતકોએ પાર્ટનર પર વિશ્વાસ કરવો જરુરી બની રહેશે. વર્ષનો અંત ભાગ ખૂબ શુભ રહેશે.
આરોગ્ય
અગાઉ જણાવ્યું તે અનુસાર તમારી રાશિથી આઠમા સ્થાને રાહુ મહારાજનું ગોચર આરોગ્ય પર ખૂબ અસર કરશે. પરિવાર તેમજ તમારા માટે સ્વાસ્થ્ય પર ખર્ચો થશે. રાહુના મંત્રની ઉપાસના કરવી જરુરી.
વર્ષ દરમિયાન ઓમ રાં રાહવે નમ:ની માળા કરવી.
લગ્ન-લગ્નજીવન
આ વર્ષ દરમિયાન સિંહ રાશિના જાતકોનું લગ્નજીવન સુમેળભર્યું રહેશે. અપરિણીતોના લગ્નનો પ્રસ્તાવ પણ આવી શકે છે. ઓવરઓલ આ વર્ષ લગ્નજીવન માટે શ્રેષ્ઠ રહેશે.
અભ્યાસ
વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ સારામાં સારુ છે. ગુરુ મહારાજની તમારી રાશિ પર દ્રષ્ટિ તમને ખૂબ શુભ ફળ આપશે. નવી ટેક્નિક્સથી તમે ગમે તેવી હરિફાઈ જીતી શકશો. વર્ષનો મધ્ય ભાગ ખૂબ સારો બની રહેશે. ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશો.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.