Dharoi Dam Water Level Today: ગુજરાત અને તેને અડીને આવેલા રાજ્યોમાં છેલ્લા બે-ચાર દિવસથી ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે નદીઓ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં વરસેલા સતત ભારે વરસાદના પગલે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઇ ડેમમાં પાણીની આવકમાં એકાએક વધારો થયો છે. જેના પગલે ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે 8 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.
મહેસાણાના ધરોઇ ડેમમાં હાલ 86,892 ક્યુસેક પાણીની આવક છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ડેમની સપાટીને જાળવવા માટે 8 દરવાજા ખોલીને ડેમમાંથી 64,144 ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારઓ અને સંભવિત અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે લોકોને સ્થળાંતર કરવાની આગોતરી યોજના બનાવાઈ રહી છે.