BJP Gujarat: પાટીલની અધ્યક્ષતામાં સેવા પખવાડિયા અંગે ભાજપની બેઠકઃ દરેક જિલ્લામાં 750 યુનિટ બ્લડ એકત્ર કરાશે, સાઘન સહાય કેમ્પ યોજાશે

17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયા થકી વિવિધ સેવાકીય કાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 25 Aug 2025 08:02 PM (IST)Updated: Mon 25 Aug 2025 08:03 PM (IST)
bjps-seva-pakhwadia-meeting-cr-patil-announces-blood-donation-and-support-camps-591678

Gandhinagar News: સેવા પખવાડિયા અંતર્ગત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કાર્યશાળા-બેઠક યોજાઇ હતી. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સેવાકીય કાર્યોનું આયોજન કરાયું છે. વડાપ્રધાનના 75મા જન્મદિવસે દરેક જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે, જેમાં 750 યુનિટ બ્લડ એકત્ર કરાશે. દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાશે. જિલ્લા અને તાલુકામાં 'એક પેડ મા કે નામ' કાર્યક્રમ થશે. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 150 કિમીની પદયાત્રા યોજાશે. નમો ઉત્સવમાં નરેન્દ્રભાઇ મોદીના જીવન પર આધારિત નાટક રજૂ થશે.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ એટલે કે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયા થકી વિવિધ સેવાકીય કાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે, જેમાં વિવિધ સેવાકીય કાર્યો સામેલ છે. સેવા પખવાડિયા દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે, જેમાં દરેક જિલ્લામાંથી 750 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવશે.

વડાપ્રધાનના 75મા જન્મદિવસ નિમિત્તે દરેક જિલ્લામાંથી 750 યુનિટ એકત્ર કરવામાં આવશે. વડાપ્રધાને મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને આગળ વધાર્યું છે, જેને લઇને કાર્યક્રમ પહેલાં અને પછી સ્વચ્છતા કાર્યક્રમ યોજાશે. દિવ્યાંગ ભાઈ-બહેનોનું જીવન સરળ બને તે માટે જરૂરી સાધનોની સહાય માટે દરેક વિસ્તારના ધારાસભ્ય, સાંસદ અને કાર્યકર્તાઓ દ્વારા કેમ્પ યોજવામાં આવશે, જેમાં એનજીઓની સહાય અને સરકારની સહાયથી દિવ્યાંગોને મદદ મળી રહે તેવો કાર્યક્રમ યોજાશે.

પાટીલે કાર્યક્રમ અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનને ખૂબ મોટી સફળતા મળી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ વૃક્ષો વાવ્યા છે. સેવા પખવાડિયા અંતર્ગત જિલ્લા, મહાનગર અને તાલુકામાં 'એક પેડ મા કે નામ' કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત, પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેનું વિતરણ કરવામાં આવશે.

આ પુસ્તક વેચાણ પાછળ કોઈ આવક ઉભી કરવાનો હેતુ નથી, પરંતુ તેનાથી લોકોને પ્રેરણા મળે તેવો હેતુ છે. ગણપતિ મહોત્સવમાં 'ઓપરેશન સિંદુર'ની થીમ પર ગણપતિ મંડપોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 'ઓપરેશન સિંદુર' દ્વારા દેશ અને દુનિયાએ જોયું કે આપણા દેશમાં તૈયાર થયેલા શસ્ત્રોથી પાકિસ્તાનમાં રહેલા આતંકવાદનો સફાયો કેવી રીતે કરવામાં આવ્યો. ખેલ મહોત્સવમાં ધારાસભ્ય અને સાંસદ તેમના મતવિસ્તારમાં આયોજન કરે અને નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે જરૂરિયાતમંદ ખેલાડીઓને રમતગમતના સાધનોની સહાય કરવામાં આવશે. ખેલ મહોત્સવના કારણે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. સેવા પંખવાડીયા દરમિયાન દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

પાટીલે વધુમાં ઉમેર્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 150 કિમીની પદયાત્રા યોજવામાં આવશે. આ પદયાત્રા જે વિસ્તારમાંથી પસાર થશે ત્યાં સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવશે અને વધુ લોકો જોડાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. અખંડ ભારતની રચના માટે તેમનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ યાત્રા દ્વારા કરવામાં આવશે. 'નમો ઉત્સવ' દ્વારા મોદી સાહેબના જીવન પર આધારિત એક નાટક ગુજરાતીમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ નાટક ગુજરાતમાં સૌ પ્રથમ બતાવવામાં આવશે અને પછી જિલ્લા-મહાનગરના અલગ-અલગ સ્થળો પર બતાવવામાં આવશે. આવનારી પેઢીને પણ 'નમો ઉત્સવ' નાટકથી પ્રેરણા મળશે તેવો વિશ્વાસ છે.