Vadodara News: વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી એક સંતાનની માતા સાથે થયેલી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં નોકરી દરમિયાન થયેલી ઓળખાણ પ્રેમસંબંધમાં પરિવર્તિત થઈ અને બાદમાં મહિલાનું શોષણ કરાયું.
મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ બાપોદમાં રહેતી મહિલા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. ત્યાં તેની ઓળખાણ નર્સિંગ સ્ટાફમાં કાર્યરત ગગનભાઈ ભિમસિંહ રાઠવા સાથે થઈ હતી. મહિલાના છૂટાછેડા થયા બાદ ગગને તેને પ્રેમનો પ્રસ્તાવ આપ્યો અને કહ્યું કે તેમના સમાજમાં બે પત્ની રાખવાની પરંપરા છે, જેથી તે તેની સાથે લગ્ન કરશે. આ વિશ્વાસમાં મહિલાએ સંબંધ સ્વીકાર્યો.
વેલેન્ટાઇન ડેના દિવસે ગગન મહિલાના ઘરે આવી શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યારબાદ અવારનવાર મળતો રહ્યો. થોડા સમય બાદ મહિલા ગર્ભવતી થઈ. ગગને લગ્નના બહાને સમાધાન કરી બળજબરીથી ગર્ભપાત કરાવ્યો. પછી ગગને ફરી લગ્નના આશ્વાસન સાથે મહિલાને સંબંધમાં ફસાવી દીધી, જેના કારણે મહિલા જુલાઈ 2025માં ચાર મહિનાની ગર્ભવતી થઈ.
આ પણ વાંચો
આ વખતે મહિલાએ ગર્ભપાત કરાવવા ઇનકાર કર્યો તો ગગને ધમકાવીને અનેક હોસ્પિટલોની ચક્કર લગાવી, પરંતુ ગર્ભપાત માટે ડોક્ટરોએ ના પાડી. ત્યારબાદ ગગને ડરાવીને અંતે ઓપરેશન થિયેટરમાં બળજબરીથી ગર્ભપાત કરાવ્યો.
બળજબરીથી ગર્ભપાત કરાવ્યા બાદ ગગને લગ્ન કરવા નો ઇનકાર કરતા મહિલાએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ બાપોદ પોલીસે ગગન રાઠવા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.