PM Narendra Modi In Gujarat:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બનશે, દરેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. ૨૦૪૭માં જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ ઊજવતું હશે ત્યારે ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘વિકસિત ગુજરાત વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ખાતેથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ, રાજ્યના વરિષ્ઠ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને કુલ રૂપિયા 5477 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી.
આ વિકાસ કામો પૈકી અમદાવાદને રૂપિયા 3125 કરોડના વિકાસકામોની ભેટ મળી હતી, તેમાં UGVCLના ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા રૂ.608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂપિયા 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપીરના ટેકરાના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ, ચાંદખેડા અને ગોતા ખાતે 66kV સબસ્ટેશન તેમજ વિરમગામ ખુડદ રોડના લોકાર્પણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ, પશ્ચિમ અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત, સરદાર પટેલ રિંગરોડને સિક્સ લેન બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર શહેરના રૂપિયા 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
મહેસાણાને કુલ રૂપિયા 1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. તેમાં 1404 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા તેમજ બે ટ્રેનનું ફ્લૅગ-ઑફ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં યુજીવીસીએલના 221 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું, તેમજ માર્ગ-મકાન વિભાગના રૂપિયા 171 કરોડના ખર્ચે વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નિકોલ ખાતેથી આ વિકાસકાર્યોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં ગણેશ ઉત્સવ માટે અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓના પણ શ્રી ગણેશ થઈ રહ્યા છે. વિકાસકાર્યો જનતા જનાર્દનને સમર્પિત કરવા મળ્યું, એનો મારું સદભાગ્ય માનું છું, એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, આવનારો સમય તહેવારો પર્વનો સમય છે. આ સમય આનંદ અને ઉલ્લાસની સાથે સાથે આત્મનિર્ભરતાનો અવસર પણ બનવો જોઈએ. આજે હું પૂજ્ય ગાંધી બાપુની ધરતી પરથી દેશભરના લોકોને આગ્રહ કરવા માગું છું કે, આપણે એક જીવન મંત્ર અપનાવવાનો છે કે જે પણ ખરીદીશું તે ભારતમાં બનેલું જ ખરીદીશુ. જે સ્વદેશી હશે, મેડ ઇન ઇન્ડિયા હશે તે જ ખરીદીશું. ઘરની સજાવટ, કોઈને આપવા માટેનો ઉપહાર, દરેક વસ્તુ ભારતમાં બનેલી ખરીદીશું. ઓપરેશન સિંદૂરથી દુનિયાને સુદર્શન ચક્રધારી મોહનનો પરિચય થયો, તો આત્મનિર્ભર ભારત અભિયાન ચરખાધારી મોહનનો પરિચય કરાવશે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ દેશભરના વ્યાપારીઓ દુકાનદારોને અનુરોધ કરતા કહ્યું કે, વ્યાપારી વર્ગ નક્કી કરે કે તેઓ વિદેશી માલ નહીં વેચે. વ્યાપારીઓ ગર્વ સાથે સાઇન બોર્ડ લગાવે કે મારે ત્યાં માત્ર સ્વદેશી વસ્તુ મળે છે. જો આ દેશના સામર્થ્યની પૂજા કરવામાં આવે તો દેશવાસીઓ રાષ્ટ્રહિતના સંકલ્પને ક્યારેય વ્યર્થ નવી નથી જવા દેતા.
વડાપ્રધાન જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી બે મોહનની ધરતી છે, એક સુદર્શન ચક્રધારી મોહન – દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની અને બીજા ચરખાધારી મોહન – સાબરમતીના સંત મહાત્મા ગાંધીની. ભારત આજે આ બન્ને મોહનોએ દર્શાવેલા રસ્તે ચલીને નિરંતર સશક્ત થઈ રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે સુદર્શન ચક્રધારી મોહને સમાજનું-દેશનું રક્ષણ કઈ રીતે કરી શકાય, એ આપણને શીખવ્યું છે. સુદર્શન ચક્ર એ ન્યાય અને સુરક્ષાનું કવચ પૂરું પાડે છે સાથે સાથે દુશ્મનોને પાતાળમાં પણ શોધીને સજા આપે છે. ઓપરેશન સિંદૂરમાં આખી દુનિયાએ ભારતના નિર્ણયોમાં આ ભાવને અનુભવ્યો છે. આતંકવાદીઓ અને તેમના આકાઓને છોડવામાં આવતા નથી. પહેલગામનો બદલો ભારતે માત્ર 22 મિનિટમાં બધું સફાચટ કરીને લીધો. સેનાએ સેંકડો કિલોમીટર અંદર નક્કી કરેલા નિશાન પર આતંકવાદની નાભિ પર હુમલો કર્યો, એ આખી દુનિયાએ જોયું છે. ઓપરેશન સિંદૂર આપણી સેનાના શૌર્ય તથા સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશક્તિનું પ્રતીક બની ગયું, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે ચરખાધારી મોહન મહાત્મા ગાંધીએ દેશની સમૃદ્ધિનો માર્ગ સ્વદેશીમાં હોવાનું ચીંધ્યું હતું. જોકે, ગાંધીના નામે રાજકીય ગાડી ચલાવનારાના મોંઢેથી ન કદી સ્વચ્છતા શબ્દ સંભળાયો ન ક્યારેય સ્વદેશી. સાબરમતી આશ્રમ સાક્ષી છે કે બાપુના નામે સત્તાસુખ ભોગવનારાએ બાપુના આત્માને કચડી નાખ્યો હતો. ગાંધીજીનો સ્વદેશીનો મંત્ર ભૂલી જવાયો હતો. ભારતને 60-65 વર્ષ સુધી અન્ય દેશો પર નિર્ભર રાખવામાં આવ્યું હતું. અને સત્તામાં રહીને ઇમ્પોર્ટમાં પણ કૌભાંડો ચલાવવામાં આવતાં હતાં, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ જણાવ્યું હતું કે આજે ભારતે આત્મનિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવી દીધો છે આજે દેશના ખેડૂતો, પશુપાલકો, નાના ઉદ્યમીઓ, માછીમારોના બળે દેશ ઝડપથી વિકાસના માર્ગે ચાલી રહ્યો છે અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે.
વડાપ્રધાએ જણાવ્યું હતું કે આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી મોટી ઊર્જા મળી રહી છે. બે દાયકાની સખત મહેનતનું આ પરિણામ છે. રાજ્યના પશુપાલન, ડેરી ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રની દુનિયાભરમાં બોલબાલા છે. તાજેતરમાં ફિજીના વડાપ્રધાને પણ ભારતના ડેરી ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રની વાત સન્માનપૂર્વક કરી હતી, એવું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના પશુપાલનની વાત કરતાં વડાપ્રધાન ઉમેર્યું હતું કે રાજ્યમાં પશુપાલનમાં મહિલાઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. બહેનોએ પશુપાલન કરીને ડેરી ક્ષેત્રને મજબૂત અને આત્મનિર્ભર બનાવ્યું છે. જેના પરિણામે ભારતના ડેરી ઉદ્યોગના ચારેકોર જયગાન સાંભળવા મળે છે.
વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે આજે દુનિયાભરમાં આર્થિક સ્વાર્થવાળી રાજનીતિ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદની ધરતી પરથી દેશના ખેડૂતો, પશુપાલકો, દુકાનદારો, લઘુ ઉદ્યમીઓને વારંવાર વાયદો કરું છું કે મારા માટે તમારાં હિત સર્વોપરિ છે, એવી તેમણે ખાતરી આપી હતી.
અલગ ગુજરાત માટે આંદોલન ચાલતું ત્યારે ઘણા મજાકમાં કહેતા કે તમારે ત્યાં ન ખાણ-ખનીજ છે, ન ઉદ્યોગ-ધંધા છે, વારંવાર દુકાળ પડે છે.. તમે અલગ થઈને શું કરશો.. ગુજરાતના માથે જવાબદારી આવી ત્યારે ગુજરાતના લોકોએ પાછીપાની કરી નહીં. આજે ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે ગુજરાત મેન્યુફેક્ચરિંગનું હબ બની ગયું છે. દરેક પ્રકારના ઉદ્યોગનો વિસ્તાર ગુજરાતની ધરતી પર થઈ રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ કહ્યું કે, દાહોદની રેલ્વે ફેક્ટરીમાં તાકાતવર ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન બની રહ્યા છે. આજે ગુજરાતમાં બનેલા રેલવે કોચ બીજા દેશોને એક્સપોર્ટ થઈ રહ્યા છે, એટલું જ નહીં ગુજરાતમાં મોટી સંખ્યામાં મોટરસાયકલ, કાર જેવા વાહનોનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. દેશ અને દુનિયાની મોટી મોટી કંપનીઓ ગુજરાતમાં ફેક્ટરી લગાવી રહી છે. ગુજરાતમાં એરોપ્લેનના અલગ અલગ પાર્ટ્સ બનાવીને તેના એક્સપોર્ટનું કામ પહેલાથી ચાલતું હતું હવે વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવાનું કામ પણ શરૂ થયું છે, અને હવે ગુજરાત ઈલેક્ટ્રોનિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગનું પણ સેન્ટર બનવા જઈ રહ્યુ છે. જેટલા પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બને છે તે સેમિકન્ડક્ટર વિના બની શકતા નથી ત્યારે ગુજરાત હવે સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે મોટું નામ કરવા જઈ રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ટેક્સટાઇલ જેમ્સ એન્ડ જ્વેલરી આ તમામ ગુજરાતની ઓળખ બની ગયા છે. દવા અને વેક્સિન જેવી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસની દેશની કુલ નિકાસમાંથી ત્રીજા ભાગની નિકાસ ગુજરાતમાંથી થાય છે. ભારત સૌર ઊર્જા, પવન ઊર્જા અને પરમાણુ ઊર્જાના ઉત્પાદનમાં તેજ ગતિથી આગળ વધી રહ્યું છે, તેમાં પણ ગુજરાતનું મોટું યોગદાન છે.
વડાપ્રધાનએ અમદાવાદ ખાતે યોજાયેલા રોડ શોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ રોડ શો ખૂબ અદભુત હતો. લોકો છત ઉપરથી અભિવાદન કરી રહ્યા હતા ત્યારે મેં જોયું કે લગભગ ઘરોની છત ઉપર રૂફટોપ સોલાર પેનલો લાગેલી હતી. હવે તો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાથી વીજળીનું બિલ શૂન્ય આવી રહ્યું છે.
ગુજરાત રિન્યુઅલ એનર્જી અને પેટ્રોકેમિકલ્સનું પણ મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. દેશની પેટ્રોકેમિકલ જરૂરિયાતો પૂરી કરવામાં ગુજરાત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્લાસ્ટિક, સિન્થેટિક ફાઇબર, ફર્ટિલાઇઝર, દવાઓ, પેઇન્ટ અને કોસ્મેટીક્સ આ તમામ ઉદોગોનું મુખ્ય આધાર પેટ્રોકેમિકલ સેક્ટર જ છે.
વડાપ્રધાનએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં મિલો બંધ થઈ જવાની ફરિયાદો બહુ ઊઠતી હતી. આજે મિલોના ભૂંગળા ભલે બંધ થઈ ગયા પરંતુ ભારતીય જનતા પાર્ટીના દીર્ઘકાલીન શાસનમાં અવનવા ઉદ્યોગો ગુજરાતમાં ચારે બાજુ સ્થપાઈ ગયા છે.
ઉદ્યોગ, ખેતી, પ્રવાસન, રોજગાર સર્જન દરેક માટે કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. પાછલા બેથી ત્રણ દશકમાં ગુજરાતમાં કનેક્ટિવિટીની કાયાપલટ થઈ ચૂકી છે. આજે ગુજરાતમાં કનેક્ટિવિટી ને લગતા ઘણા પ્રોજેક્ટસના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા છે.
આ સંદર્ભે વડાપ્રધાનએ વધુમાં કહ્યું કે, એક સમયે તો જ્યારે અમદાવાદમાં માત્ર લાલ રંગની બસ ચાલતી હતી પરંતુ હવે અમદાવાદમાં એસી ઇલેક્ટ્રિક બસ, બીઆરટીએસ જનમાર્ગ, મેટ્રો રેલવે જેવા પ્રકલ્પોથી ઇઝ ઓફ ટ્રાવેલ સાકાર થયું છે. ગુજરાતમાં પાછલા 11વર્ષમાં 3000 કિમી લાંબા નવા રેલવે ટ્રેક પાથરવામાં આવ્યા છે. રાજ્યમાં મોટાભાગની રેલ્વે લાઈનનું ઇલેક્ટ્રીકેશન પૂરું કરી દેવામાં આવ્યું છે.
વડાપ્રધાનએ કહ્યું કે, ગાંધીજી ગરીબોની ગરિમા જાળવવાને પ્રાધાન્ય આપતા હતા. ગાંધી આશ્રમના પ્રવેશ દ્વાર પર જ ગરીબો માટે બનેલા આવાસો રાજ્ય સરકારની ગાંધીજીના સિદ્ધાંતો પર ચાલવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આજે ગરીબો માધ્યમ વર્ગ માટેના અન્ય આવાસોનું પણ લોકાર્પણ થયું છે.
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે સરદાર પટેલના ભવ્ય સ્ટેચ્યુનું કામ પૂરું કર્યું છે અને ગાંધીજીના સાબરમતી આશ્રમનું નવીનીકરણ થઈ રહ્યું છે. એક દાયકા પૂર્વે કેન્દ્રમાં કોંગ્રેસની સરકારને કારણે ગાંધી આશ્રમના નવીનીકરણનું કામ સમયસર કરી શકાયું નહીં, પરંતુ જ્યારથી તમે મને દિલ્હી મોકલ્યો છે ત્યારથી સાબરમતી આશ્રમનું વિકાસ કાર્ય પણ આરંભી દીધું છે. આવનારા દિવસોમાં ગાંધી આશ્રમ શાંતિની સૌથી મોટી પ્રેરણા ભૂમિ બનશે.
વડાપ્રધાનએ કહ્યું કે, દેશના શ્રમિક પરિવારોને ગુણવત્તા યુક્ત જીવન ધોરણ મળે તે માટે આપણે અનેક પ્રયાસો કર્યા છે. અને એટલા માટે જ ગરીબો માટે ગેટેડ સોસાયટી બનાવવાના નિર્ણય કર્યા છે. ઝુપડપટ્ટીઓની જગ્યાએ પાકા મકાન બનાવવાના અનેક પ્રોજેક્ટ સરકારે પૂરા કર્યા છે અને આ અભિયાન આજે પણ યથાવત છે. જેને કોઈ પૂછતું નથી તેને મોદી પૂજે છે. આ વખતે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવો એ આપણી મુખ્ય પ્રાથમિકતા છે. શેરી ફેરીયાઓ અને લારીવાળા માટે પી.એમ. સ્વનિધિ યોજના શરૂ કરીને ૧૭ લાખ લારીવાળાઓને બેંકમાંથી લોન અપાવી છે. ગુજરાતના પણ લાખો લોકોને આ યોજનાનો ફાયદો થયો છે.
વડાપ્રધાનએ કહ્યું કે, દેશમાં 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે તેની ચર્ચા વિશ્વભરના ઇકોનોમિસ્ટ કરી રહ્યા છે. ગરીબી રેખામાંથી બહાર આવેલો નિયો મિડલક્લાસ અને મીડલ ક્લાસ દેશની સૌથી મોટી તાકાત છે, તેમને સશક્ત કરવાનો વર્તમાન સરકારનો નિરંતર પ્રયાસ છે. આવા પ્રયાસોના ભાગરૂપે જ આવકવેરામાં ૧૨ લાખ સુધીની છૂટ આપવામાં આવી છે અને હવે આવનારા દિવસોમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સમાં મોટું રિફોર્મ પરિવર્તન લાવી રહ્યા છીએ. વ્યાપાર મધ્યમ વર્ગ તમામને આ દિવાળી પર ખુશીઓનું ડબલ બોનસ મળવાનું છે.
વડાપ્રધાનએ કહ્યું કે, એક સમય હતો જ્યારે અમદાવાદને લોકો ગરદાબાદ કહીને મજાક ઉડાવતા. ચારે બાજુ ધૂળ, કચરો માટી જોવા મળતી. પરંતુ હવે અમદાવાદની છબી બદલાઈ છે. સ્વચ્છતાની બાબતમાં અમદાવાદે દેશમાં પ્રથમ નંબર મેળવ્યો છે. જો કે સ્વચ્છતા એ કોઈ એક વાર કરવાનું કામ નથી કે દર વર્ષે અને પેઢી દર પેઢી કરવાનું કામ છે.
પહેલા સાબરમતી નદીની હાલત ખૂબ ખરાબ હતી. ત્યાંના પટમાં સર્કસ થતા હતા અને છોકરા ક્રિકેટ રમતા હતા. કાંકરિયાનું તળાવ ગંદકીનો અડ્ડો હતો. હવે આ સાબરમતી નદી ગૌરવંતી નદી બની છે. કાંકરિયા તળવા ફરવાની સૌથી શ્રેષ્ઠ જગ્યા બની ચૂક્યું છે.આ તમામ વિકાસ પ્રકલ્પો અમદાવાદની બદલાતી તસવીરની ઝલક છે.
વડાપ્રધાનએ જણાવ્યું કે, અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરીટેજ સીટી છે. પ્રવાસના આધુનિક આયામોનો વિકાસ પણ અમદાવાદમાં થઈ રહ્યો છે. પહેલા ગુજરાતમાં પ્રવાસનના વિકલ્પો ઉપલબ્ધ ન હતા. આજે કચ્છનો રણ ઉત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, આવા અનેક પ્રવાસન સ્થળોનો ગુજરાતમાં વિકાસ થયો છે. અમદાવાદ કોન્સર્ટ ઇકોનોમીનો પણ મોટું કેન્દ્ર બની રહ્યું છે. થોડા મહિના કોલ્ડ પ્લે કોન્સર્ટ અમદાવાદમાં થયો તેની ચર્ચા આજે વિશ્વભરમાં થઈ રહી છે. આપણે સાબિત કર્યું કે, અમદાવાદ મોટા મોટા કોન્સર્ટ અને સ્પોર્ટિંગ ઇવેન્ટનું યજમાન બની શકે છે.