Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર, અનેક વિસ્તારમાં પાણી ભરાતા શાળાએ જતાં વિદ્યાર્થી અને ધંધાર્થી-નોકરિયાતને મુશ્કેલી

મહત્ત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 30 તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 25 Aug 2025 08:06 AM (IST)Updated: Mon 25 Aug 2025 08:06 AM (IST)
weather-update-heavy-rain-in-ahmedabads-district-25-08-2025-591277
HIGHLIGHTS
  • આ આગાહી મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો માટે કરવામાં આવી છે.
  • આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

Ahmedabad Rain News: આજે વહેલી સવારથી અમદાવાદમાં મેઘમહેર થઈ રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાતા સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત અને ધંધાર્થીઓને મુશ્કેલી પડી હતી. મહત્ત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 30 તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારથી અમદાવાદના એસ. જી. હાઈવે, ઘાટલોડિયા, મેમનગર, શાસ્ત્રીનગર, ચાણક્યપુરી, નહેરુનગર, જોધપુર, જીવરાજપાર્ક, વેજલપુર, મકરબા, શિલજ, ઘુમા, બોપલ, શેલા, શાંતિપુરા, નવાપુરા, સનાથલ, બાકરોલ, વિસલપુર, કાસિન્દ્રા અને સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવા માટે તૈયાર છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ, એટલે કે 30 ઓગસ્ટ સુધી, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો માટે કરવામાં આવી છે, જ્યાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

25 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં એલર્ટ?

હવામાન વિભાગે 25 ઓગસ્ટ માટે કેટલાક જિલ્લાઓ માટે ખાસ એલર્ટ જાહેર કર્યા છે.

ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે.

યલો એલર્ટ: મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.