Rajkot News: મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સાયબર માફિયાઓએ રાજકોટના એક નિવૃત્ત ક્લાર્કને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખીને 88.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટનાની ફરિયાદ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સાધુવાસવાણી રોડ પર રહેતા દિનેશભાઈ જીવણભાઈ દેલવાડિયા, જેઓ સેશન્સ કોર્ટમાંથી નિવૃત્ત થયા છે, તેમણે ફરિયાદ નોંધાવી હતી કે તેમને ટેલિફોન વિભાગમાંથી વ્હોટ્સએપ ફોન આવ્યો હતો અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાંથી સુનીલકુમાર ગૌતમનો ફોન આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, એક અજાણ્યા વ્યક્તિએ વ્હોટ્સએપ ફોન કરીને જણાવ્યું કે તેઓ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલી રહ્યા છે અને આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર સંદીપ કુમાર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે, જેમાં દિનેશભાઈ પણ સંડોવાયેલા છે.
આરોપીઓએ દિનેશભાઈને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે સંદીપ કુમારના ઘરેથી મોટી રકમ અને ડ્રગ્સ મળી આવ્યા છે, જેમાં દિનેશભાઈ પણ ભાગીદાર છે. આથી, તેઓ ડરી ગયા હતા અને કોઈને વાત કરી ન હતી. ત્યારબાદ, આરોપીઓએ દિનેશભાઈને તેમના બેંક ખાતામાં દસ ટકા રકમ જમા કરાવવાનું કહ્યું અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં 8 લાખ રૂપિયા જમા કરાવ્યા. આરોપીઓએ વિશ્વાસ અપાવ્યો કે તપાસ પૂરી થયા બાદ પૈસા પાછા મળી જશે.
આગળના દિવસોમાં, આરોપીઓએ દિનેશભાઈને લોકરમાં રહેલું સોનું ગીરવે મૂકીને પૈસા જમા કરાવવાનું કહ્યું. આમ, 45 દિવસ સુધી આરોપીઓએ દિનેશભાઈ અને તેમના પત્નીને ડિજિટલ એરેસ્ટમાં રાખીને કુલ 88.55 લાખ રૂપિયા પડાવી લીધા. આખરે, દિનેશભાઈએ તેમના પુત્ર કૃણાલને આ વાત જણાવતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.