Surat News: સુરત નવી સિવિલ હોસ્પિટલથી 77મુ અંગદાન; મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના 14 વર્ષના કિશોરના લીવર, હૃદય અને બે કિડનીનું દાન

મૂળ મહારાષ્ટ્રના ખુટવાડા રાજબરડી, તા.દંડગાંવ, જિ.નંદુરબારના વતની અમિત પાવરા તા.22મી ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યે બાઈક લઈને દંડગાંવ જઈ રહ્યો હતો

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 25 Aug 2025 06:43 PM (IST)Updated: Mon 25 Aug 2025 06:43 PM (IST)
77th-organ-donation-from-surat-new-civil-hospital-14-year-old-boy-from-khutwara-village-maharashtra-donates-liver-heart-and-two-kidneys-591638

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના 14 વર્ષીય બ્રેઈનડેડ અમિત રોહિદાસ પાવરાના લીવર, હ્રદય અને બે કિડનીના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે 77મુ સફળ અંગદાન થયું છે.

મૂળ મહારાષ્ટ્રના ખુટવાડા રાજબરડી, તા.દંડગાંવ, જિ.નંદુરબારના વતની અમિત પાવરા તા.22મી ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યે બાઈક લઈને દંડગાંવ જઈ રહ્યો હતો, ત્યારે સામે આવતી બાઈક સાથે અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી 108 એમ્બ્યુલન્સમાં નજીકના દંડગાંવ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા નંદુરબાર હોસ્પિટલમાં અને ત્યારબાદ તબીબની સલાહથી તા.23મીએ બપોરે 1.25 વાગ્યે 108 સેવા મારફતે સુરતની નવી સિવિલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર બાદ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

તા.૨૫મી ઓગસ્ટે આરએમઓ ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, મેડિકલ ઓફિસર (ટ્રીટીંગ) ડૉ.રિચા બી. મિસ્ત્રીએ અમિતને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સોટોની ટીમના ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ પિતા રોહિદાસ શંકરભાઇ, માતા ચિમીબાઇ, ભાઈ અજીત અને બહેન અનિતાને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. પરિવારે સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. હ્રદય યુ.એન.મહેતા કિડની હોસ્પિટલ-અમદાવાદ તેમજ લીવર, બે કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ સફળ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી.