WhatsApp Wedding Card Scam: મહારાષ્ટ્રના હિંગોલીમાં એક સરકારી કર્મચારી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમને વોટ્સએપ પર એક લગ્નનું આમંત્રણ મળ્યું હતું, જેમાં એક પીડીએફ ફાઇલ કોઈએ મોકલી હતી. જેવું તેમણે આ ફાઇલ પર ક્લિક કર્યું કે તરત જ તેના ખાતામાંથી લગભગ 2 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. જાણો શું છે મામલો
વોટ્સએપ સ્કેમનો વધુ એક નવો કિસ્સો
આ બનાવ હિંગોલીથી સામે આવ્યો છે, જ્યાં એક સરકારી કર્મચારીને એક અજાણ્યા નંબર પરથી 30 ઓગસ્ટના રોજ યોજાનાર એક લગ્નમાં આવવા માટેનું નિમંત્રણ મળ્યું હતું. આ સંદેશમાં લખ્યું હતું કે તમારું સ્વાગત છે. લગ્નમાં જરૂર આવજો. પ્રેમ જ સુખના દરવાજા ખોલે છે. આ આમંત્રણ સાથે એક પીડીએફ ફાઇલ પણ હતી. જોકે, આ પીડીએફ ફાઇલ ખરેખર એક એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ (APK) ફાઇલ હતી, જેને લગ્નના કાર્ડના રૂપે દર્શાવીને યુઝરના ફોનને હેક કરવા અને તેની સંવેદનશીલ માહિતી ચોરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી.

ફોનનો ડેટા એક્સેસ કરીને ઉપાડી લીધા
સરકારી કર્મચારીએ આ શંકાસ્પદ ફાઇલ પર ક્લિક કર્યું, તેની સાથે જ સાયબર ઠગોએ તેના ફોનનો ડેટા એક્સેસ કરી લીધો અને 1.80 લાખ રુપિયા જેટલી રકમ ખાતામાંથી લઈ લીધી. એપીકે ફાઇલો ફોન પર ડાઉનલોડ થયા પછી સાયબર અપરાધીઓ ફોનની તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. તેઓ ફોનમાં રહેલા ડેટાનો ઉપયોગ કરીને ફોન માલિક બનીને પૈસાની માંગણી પણ કરી શકે છે.
શંકાસ્પદ લિંક્સ અને ફાઇલો પર ક્લિક કરતા પહેલા સાવચેત રહો
આ ઘટના અંગે હિંગોલી પોલીસ સ્ટેશન અને સાયબર સેલ ડિપાર્ટમેન્ટમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ પ્રકારનું લગ્નના આમંત્રણનું કૌભાંડ ગયા વર્ષે પણ સામે આવ્યું હતું, જ્યારે ઘણા લોકોએ તેમાં પોતાના પૈસા ગુમાવ્યા હતા. આવી શંકાસ્પદ લિંક્સ અને ફાઇલો પર ક્લિક કરતા પહેલા અત્યંત સાવચેત રહેવું અને અજાણ્યા સ્ત્રોતોમાંથી આવતી કોઈ પણ ફાઇલને ખોલવાનું ટાળવું ખુબ જ જરૂરી છે.