PM Modi Ahmedabad Visit અમદાવાદમાં જન મેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે એક નાનું બાળક પીએમ મોદી જેવો પહેરવેશ કરીને સભામાં ઉપસ્થિત થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલી આ મેદનીની વચ્ચે પીએમ મોદીની નજર એ બાળક પર પડી હતી. બાળકને જોતા જ બોલી ઉઠ્યા હતા કે જુઓ અહીં નાનો મોદી પણ છે.
ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ, કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી પીએમ મોદીનો કાફલો નીકળ્યો હતો અને નરોડાથી નિકોલ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. જેમ જેમ કાફલો આગળ વધતો ગયો પીએમ મોદીએ દરેક ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.
એક નાના બાળક પર તેમનું ધ્યાન ગયું
રોડ શો બાદ પીએમ મોદી નિકોલમાં સભા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે 5 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. ત્યારબાદ તેમણે સભાને સંબોધિત કરી. સભાને સંબોધિત કરતી વખતે તેમણે ગુજરાતીમાં ઉપસ્થિત મેદનીને જણાવ્યું હતું કે, આજે તો તમે વટ પાડી દીધો છે. આજે તમે રંગ રાખ્યો છે હો… ઘણીવાર વિચાર આવે કે એવું કેવું નસીબ હશે કે આ લાખો લોકોનો પ્રેમ અને આશીર્વાદ મળ્યો. હું આપ સૌનો આભાર માનું એટલો ઓછો છે. એટલું કહ્યાં બાદ સભા સંબોધતી વખતે તેમનું ધ્યાન એક નાના બાળક પર પડ્યું હતું.
જુઓ નાનો નરેન્દ્ર મોદી ઉભો છેઃ મોદી
નાના બાળકને પીએમ મોદીને પહેરાવેશમાં જોતા જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે જુઓ પેલી બાજુ એક નાનો નરેન્દ્ર મોદી ઉભો છે. પીએમ મોદી દ્વારા આ પ્રકારની વાત કહેવામાં આવતા પીએમ મોદીનો પહેરવેશ ધારણ કરીને સભામાં આવેલો બાળક પર ખુશ થઇ ગયો હતો.