Gandhinagar: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ગણેશજીની માટીની મૂર્તિઓ માટે ઇકો ઍક્ટિવિટિ વર્કશોપમાં 100થી વધુ બાળકો અને યુવાઓએ માટીની મૂર્તિ બનાવી

બાપ્પાની માટીની મૂર્તિઓ ઘરે જ જાતે બનાવવા પ્રેરણા આપવા વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ઈકો ઍક્ટિવિટિના ભાગ રૂપે એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 25 Aug 2025 03:48 PM (IST)Updated: Mon 25 Aug 2025 03:48 PM (IST)
gandhinagar-100-children-crafted-eco-friendly-clay-ganesha-idols-at-indroda-nature-park-workshop-591551
HIGHLIGHTS
  • આ કાર્યક્રમમાં આર્ટિસ્ટ દ્વારા બાળકો અને યુવાઓને માટીની મૂર્તિ કેમ બનાવવી તે શીખવવામાં આવ્યું હતું.
  • બાળકો સહિત યુવાઓએ બનાવેલી મૂર્તિઓ ઘરે પણ લઈ જવા આપવામાં આવી હતી.

Gandhinagar News: પ્રતિ વર્ષ ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત સહિત દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રીગણેશજીના આપણા સૌના ઘર, શેરી અને સોસાયટીમાં ભાવપૂર્વક વધામણા કરીને ભગવાનની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ. આ વર્ષે દેશભરમાં તારીખ 27 ઓગસ્ટથી ગણેશ ચતુર્થી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે.

ગણેશજીની મૂર્તિઓ ક્યારેક પીઓપી, અન્ય સિન્થેટિક મટિરિલય અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય છે. આવી મૂર્તિઓનું જ્યારે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ નુકશાન કરે છે. જેથી બાપ્પાની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લાવવાનો સંદેશ આપવા તેમજ નાગરિકોને બાપ્પાની માટીની મૂર્તિઓ ઘરે જ જાતે બનાવવા પ્રેરણા આપવા વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ઈકો ઍક્ટિવિટિના ભાગ રૂપે એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે બાપ્પાની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવતા શીખવવા અને પર્યાવરણ સંવર્ધન પ્રત્યે પ્રેરણા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર્ટિસ્ટ દ્વારા બાળકો અને યુવાઓને માટીની મૂર્તિ કેમ બનાવવી તે શીખવવામાં આવ્યું હતું. બાળકો સહિત યુવાઓએ બનાવેલી મૂર્તિઓ ઘરે પણ લઈ જવા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ થકી નાગરીકોને પર્યાવરણ અનુકુળ જીવનશૈલી અપનાવવા, તહેવારોમાં ભગવાનની માટીની મૂર્તિઓ બજારમાંથી નહિ પણ જાતે જ બનાવી સ્થાપન કરવા સાથે સાથે વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રને સાર્થક કરીને સ્થાનિક કલાકારોને રોજગારી સ્વરૂપે પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 100થી વધુ બાળકો સહિત ભાઈ- બહેનોએ ઉત્સાહપૂર્વક ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં ભાગ લીધો હતો.