Anand News: ઘી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., આણંદ (અમૂલ ડેરી) ના નિયામક મંડળની ચૂંટણી-2025 માટે ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આજરોજ 25 ઓગસ્ટ 2025ના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં મતદાર વિભાગ-1 માટે ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જેમાં બોરસદ, ઠાસરા, નડિયાદ, મહેમદાવાદ, કઠલાલ સહિતના મતદાર મંડળ માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા.
બોરસદ મતદાર મંડળ વિભાગમાં રાજેન્દ્રસિંહ ધિરસિંહ પરમાર, નટવરસિંહ સરદારસિંહ મહિડાએ ઉમેદવારી નોંધાવી હતી. ઠાસરા મતદાર મંડળ વિભાગમાં પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર અને બાલાસિનોર મતદાર મંડળ વિભાગમાં પાઠક રાજેશભાઇ ગજાનને ઉમેદવારી નોંધાવી હતી.
કઠલાલ મતદાર મંડળ વિભાગમાં શિલ્પાબેન નિલમકુમાર શાહ અને મહેમદાવાદ મતદાર મંડળ વિભાગમાં જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ અને સુરસિંહ ચેહરાજી રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી. માતર મતદાર મંડળ વિભાગમાં પટેલ સંજયભાઇ હરિભાઇ અને નડિયાદ મતદાર મંડળ વિભાગમાં ધર્મસિંહ છોટાભાઇ પરમાર, કૌશિકભાઇ સોમાભાઇ પરમાર, વિપુલભાઇ કાંતીભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.
વિરપુર મતદાર મંડળ વિભાગમાં પરમાર સાભેસિંહ મોંગાભાઇએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત, આજીવન વ્યક્તિ સભાસદ (મતદાર વિભાગ-૨) માં પટેલ રણજીતભાઇ કાંતીભાઈ અને પટેલ વિજયકુમાર ફુલાભાઇએ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીની જાહેરાત થતા સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ પગલાં લેવામાં આવશે.