Amreli: જાફરાબાદ નજીક 6 દિવસ પહેલાં તોફાની બનેલા દરિયામાં ગાયબ થયેલા 9 માછીમારોને શોધવા માટે કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને તોફાની પવનના કારણે 3 બોટ ડૂબી ગઈ હતી, જેમાં 11 માછીમારો લાપતા થયા હતા. અત્યાર સુધીમાં બે માછીમારોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અન્ય 9 માછીમારોની શોધખોળ હજુ પણ ચાલુ છે.
પીપાવાવ બંદરથી 20 નોટિકલ માઈલ દૂર દરિયામાં કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. દરિયાના રૌદ્ર સ્વરૂપ અને ઊછળતા વિશાળ મોજાઓ વચ્ચે પણ કોસ્ટ ગાર્ડના જહાજનું રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દરિયાની વિશાળ લહેરો કોસ્ટ ગાર્ડના જહાજ સાથે અથડાતી જોવા મળી રહી છે. લાપતા 9 માછીમારોને શોધવા માટે બે શિપ અને 4 હેલિકોપ્ટરનો કોસ્ટગાર્ડ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પીપાવાવ કોસ્ટ ગાર્ડ ગુમ થયેલા ખલાસીઓને શોધવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. કોસ્ટ ગાર્ડની ટીમ તે સ્થળે પહોંચી છે જ્યાં માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. આ તોફાની દરિયાએ ગુમ થયેલા ખલાસીઓની શોધમાં અવરોધ ઊભો કર્યો છે, પરંતુ હજી પણ નવ ખલાસીઓ ગુમ હોવાથી શોધખોળ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ખરાબ હવામાન વચ્ચે પણ કોસ્ટગાર્ડની ટીમ રાત-દિવસ ખડેપગે રહીને કામગીરી કરી રહી છે.