Hardik Patel News: આજના દિવસે જ વર્ષ 2015માં ગુજરાતમાં પાટીદાર સમાજને સરકારી શિક્ષણ અને નોકરીઓમાં અનામત મળે તે માટે પાટીદાર આંદોલન શરૂ થયું હતું. આ આંદોલનના પરિણામે ગુજરાતના માત્ર પાટીદાર સમાજને જ નહીં, પરંતુ અનામતમાં ન આવતા 30થી વધુ સમાજોને બિનઅનામત આયોગ અને નિગમનો લાભ મળ્યો. આ ઉપરાંત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દર વર્ષે રૂપિયા 1000 કરોડની જોગવાઈ અને સરકારી નોકરીમાં પાંચ વર્ષની વયમર્યાદામાં છૂટ જેવા લાભો પણ પ્રાપ્ત થયા. આ સંઘર્ષમાં ઘણા લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા, જ્યારે અનેક યુવાનોએ જેલવાસ ભોગવ્યો હતો. ત્યારે આજે 10 વર્ષ પૂરા થતાં આંદોલનકારીમાંથી નેતા બનેલા હાર્દિક પટેલે એક પોસ્ટ શેર કરી છે.
હાર્દિક પટેલે તેના સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, આજના દિવસે જ ગુજરાતના ગરીબ અને આર્થિક નબળા પાટીદાર સમાજને સરકારી શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે સૌના સહયોગથી પાટીદાર આંદોલન થયું હતું. લગભગ ત્રણ વર્ષના સંઘર્ષ અને કુરબાની બાદ ગુજરાતના માત્ર પાટીદાર સમાજને જ નહિ પરંતુ અનામતમાં ન આવતા લગભગ 30 સમાજોને બિનઅનામત આયોગ તેમજ નિગમ મળ્યું, સાથે જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત દર વર્ષે 1000 કરોડ રૂપિયાની યોજના અને સરકારી નોકરીમાં પાંચ વર્ષની વયમર્યાદાનો લાભ મળ્યો અને તે બાદ ભારતના ઇતિહાસ પ્રથમવાર ગુજરાત સહીત દેશભરમાં પાટીદાર સહિતના 50થી વધુ સમાજોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો.
આજે લગભગ દરરોજ એક ફોન મને આવે છે કે હાર્દિકભાઈ તમે જે આંદોલન કર્યું તેના કારણે મને નોકરી મળી અથવા એડમિશન મળ્યું. આ લડાઈ સમાજના ગરીબ લોકોની હતી અને સફળ થઇ. આ આંદોલનમાં ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું છે, કોઈએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા તો મારા જેવા ૨૦ યુવાનોએ પોતાના જીવનના અનેક મહિનાઓ જેલમાં વિતાવ્યા, મારા સહીત અનેક યુવાનો પર ઘણા કેસ પણ થયા પરંતુ કહેવત છે કે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે. હું જેલમાં ગયા એનું મને જરાય દુઃખ નથી પરંતુ સમાજના નવયુવાન ગુમાવ્યા તેનું આજ પણ દુઃખ છે સામે આ આંદોલનથી સમાજને મળેલા ફાયદાથી રાજી પણ છું. આ આંદોલન આખા સમાજનું હતું અને ઇતિહાસ આ આંદોલન કાયમ યાદ રાખશે.
ગુજરાતના મારા સૌ નવયુવાન પાટીદાર તેમજ પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભકામના તેમજ શહીદ પાટીદાર યુવાનોને નમ મસ્તક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. સૌને વિનંતી કે આંદોલનથી મળેલી યોજનાઓ અને આયોગના લાભ જરૂર મેળવો.