Modi Surname Defamation Case: મોદી અટક મામલે માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. હકીકતમાં સુરત કોર્ટ તરફથી 2 વર્ષની સજા મળ્યા બાદ રાહુલ ગાંધી સંસદ પદે ગેરલાયક ઠર્યા હતા. આથી રાહુલ ગાંધીએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જો કે ત્યાં પણ રાહુલ ગાંધીને નિરાશા સાંપડી હતી અને હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો હતો. હવે રાહુલ ગાંધી હાઈકોર્ટના ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટ જવાનું વિચારી રહ્યાં છે, પરંતુ તેમના પહેલા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સર્વોચ્ચ અદાલત પહોંચી ચૂક્યાં છે. આ પૂર્ણેશ મોદીની ફરિયાદના આધારે જ રાહુલ ગાંધીને સજા સંભળાવવામાં આવી હતી.
હવે પૂર્ણેશ મોદીએ પોતાના વકીલ પી.એસ સુધીર મારફતે સર્વોચ્ચ અદાલતમાં કેવિએટ દાખલ કરી છે. જેમાં ભલામણ કરવામાં આવી છે કે, જો કોંગ્રેસ નેતા (રાહુલ ગાંધી) ગુજરાત હાઈકોર્ટના તાજેતરના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારે, તો તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે.
જણાવી દઈએ કે, ગત 7 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે મોદી અટક બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે સુરતની સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો, જેણે 23 માર્ચે મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો.
પોતાનો ચુકાદો જાહેર કરતાં સમયે જસ્ટિસ હેમંત પ્રચ્છકે ટિપ્પણી કરી હતી કે, રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછા 8 જેટલા કેસો પેન્ડિંગ છે. રાજકારણમાં શુદ્ધતા હોવી જરૂરી છે અને લોકપ્રતિનિધિ હોય તેવા વ્યક્તિનું ચારિત્ર્ય શુદ્ધ હોવું જ જોઈએ. આ કેસ થયા બાદ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ અન્ય કેસો દાખલ થયા જ છે. આરોપી સભ્ય સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે અને સમાજમાં કોઈ પણ વ્યક્તિ પર કાદવ નહીં ઉછાળવાની તેની નૈતિક ફરજ છે. આ સંજોગોમાં રાહુલ ગાંધીએ આચરેલો ગુનો નૈતિક અધ:પતનની શ્રેણીમાં આવે છે.
હવે આ કેસમાં રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાના હતા. જો કે તેની પહેલા જ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટ પહોંચીને રાહુલ ગાંધીની મુશ્કેલી વધારી દીધી છે.