Rahul Gandhi Concern Security: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે પુણેની એક કોર્ટમાં જણાવ્યું હતું કે તેમના તાજેતરના રાજકીય સંઘર્ષો અને તેમની સામેના માનહાનિના કેસમાં ફરિયાદી સત્યકી સાવરકરના વંશને કારણે તેમના જીવને જોખમ છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના વકીલે તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિનાયક સાવરકર પર કથિત અપમાનજનક ટિપ્પણી કેસની પુણેની ખાસ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે કોંગ્રેસ સાંસદના જીવને જોખમ છે.
રાહુલ ગાંધીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મિલિંદ પવારે કોર્ટને જણાવ્યું હતું કે- ભાજપ નેતા બિટ્ટુએ તેમને આતંકવાદી કહ્યા હતા જ્યારે ભાજપના અન્ય નેતા તરવિંદર મારવાહએ ખુલ્લેઆમ ધમકી આપી હતી કે જો રાહુલ ગાંધી યોગ્ય વર્તન નહીં કરે તો તેમનું પણ તેમના દાદી જેવું જ પરિણામ આવી શકે છે.
'ફરિયાદીનો ગોડસે પરિવાર સાથે પારિવારિક સંબંધ છે'
મિલિંદ પવારે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદી સત્યકીનો સાવરકર અને ગોડસે પરિવાર સાથે પારિવારિક સંબંધ છે અને તે પોતાના પ્રભાવનો દુરુપયોગ કરી શકે છે. વકીલના મતે, ફરિયાદીની પારિવારિક પૃષ્ઠભૂમિ હિંસક અને ગેરબંધારણીય વૃત્તિઓ સાથે સંકળાયેલી રહી છે.
'રાહુલ ગાંધી જાણી જોઈને કેસમાં વિલંબ કરી રહ્યા છે'
સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે કહ્યું કે- આ અરજી ઘણા સમય પહેલા દાખલ કરવામાં આવી હતી, પરંતુ રાહુલ ગાંધીએ જાણી જોઈને કેસમાં વિલંબ કર્યો. રાહુલ ગાંધીનું નિવેદન સંપૂર્ણપણે અપ્રસ્તુત છે. કોર્ટે પહેલાથી જ કહ્યું છે કે કેસની સુનાવણી માટે રાહુલ ગાંધીની વ્યક્તિગત હાજરી જરૂરી નથી, તેમ છતાં તેઓ કાર્યવાહીમાં વિલંબ કરી રહ્યા છે.