Rajkot: મગરની પીઠ સમાન બની ગયેલા રોડ રસ્તાથી ત્રાહીમામ શહેરીજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવી રહયુ છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનાં મેયરનાં વોર્ડમાં આવેલી સોસાયટીઓમા ડ્રેનેજ અને ગટરનાં પાણીનાં તલાવડા ભરાવવાની સમસ્યાથી ત્રાહીમામ લોકો દ્વારા આજે રસ્તા પર ઉતરી અને ગટરનાં પાણીમા ઉભા રહી તંત્ર સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ રસ્તા પર આડી સાયકલો રાખી રસ્તો બંધ કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ.
શહેરના મોરબી રોડ પર આવેલા વોર્ડ નંબર 4 માં ઇન્દ્રપ્રસ્થ, રાધે સોસાયટી નં. 1 અને 2, અને ઉમા પાર્ક સહિતની સોસાયટીઓના સ્થાનિક લોકો આજે તૂટેલી ડ્રેનેજ લાઈન અને ગંદા પાણીની સમસ્યાથી કંટાળીને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા એક વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ડ્રેનેજ લાઈન લીક થવાને કારણે તેમના નળમાં પણ ગંદુ પાણી આવી રહ્યું છે અને રસ્તા પર ખાડા પડી પાણી ભરાઈ રહ્યા છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારા વોર્ડના કોર્પોરેટર મેયર નયનાબેન પેઢડિયા છે અને અમને આશા હતી કે અમારા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે. પરંતુ એક વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ચૂંટણી સમયે મત માંગવા માટે હાથ જોડીને આવતા નેતાઓ હવે રજૂઆત કરતા હાથ ઊંચા કરી રહ્યા છે.

જો આગામી બે દિવસમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ મોરબી હાઈવે બ્લોક કરશે. આ સાથે જ તેમણે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની અને પવિસાવદરથ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની પણ ચેતવણી આપી છે.