Success story of Agriculture farming: પ્રાકૃતિક ખેતીનો ફાયદો એ છે કે શરીરમાં કોઈ રોગ થતો નથી. અનાજ સ્વાદિષ્ટ લાગે છે. આ શબ્દો છે સિદ્ધપુર તાલુકાના આંકવી ગામના દિવ્યાંગ ખેડૂત શૈલેષભાઈ સેંધાભાઈ પટેલના. તેઓ દિવ્યાંગ હોવા છતાં સ્વમાનભેર પ્રાકૃતિક ખેતી કરી આજે સિદ્ધપુર પંથકમાં અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

દઢ મનોબળ ધરાવે છે
ખેડૂત શૈલેષભાઈએ છેલ્લા ચારેક વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ખેતીવાડી વિભાગ અને આત્મા યોજનાના સંપર્કથી તેઓ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાયા છે. તેઓ સિદ્ધપુરમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરવાની સાથે ત્રણથી ચાર વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતી થકી વાર્ષિક રૂપિયા 1.25 થી 1.50 લાખની આવક મેળવી રહ્યા છે. તેમની મહેનત અને ખંત જોઈને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. શૈલેષભાઈ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સમજાવે છે.

વિવિધ પાકોનું ઉત્પાદન કરે છે
શૈલેશભાઈ પટેલે પોતાની ખેતી અંગે જણાવતા કહ્યું કે, તેઓ કપાસ, એરંડા, ઘઉં, બાજરી અને મગ જેવા પાકોનું વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી તેમને કોઈ મુશ્કેલી પડી નથી. તેઓ ગાયનું ગૌમુત્ર અને અન્ય પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરી જીવાત નિયંત્રણ કરે છે.

દિવ્યાંગ હોવા છતાં શૈલેષભાઈએ સાબિત કરી બતાવ્યું છે કે, સંકટો સામે લડવાની હિંમત અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો અડગ વિશ્વાસ ખેડૂતને આર્થિક તેમજ સામાજિક રીતે સફળ બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેમને ખેતીમાં કોઈ મુશ્કેલી પડી નથી, પરંતુ વિપરીત રીતે ઓછા ખર્ચે વધુ સારું પરિણામ મળ્યું છે. તેમના મતે, પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે માત્ર આવકનો સારો સ્ત્રોત જ નહીં પરંતુ જમીન, પાણી અને માનવ આરોગ્ય માટે પણ કલ્યાણકારી માર્ગ છે.
