Ahmedabad News: મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત શિક્ષાપત્રીજન કલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા, આચાર્ય જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ અભિયાન આખા ગુજરાતની ઘણી બધી સ્કૂલ કોલેજમાં કરવામાં આવશે. જેનું સંચાલન ગુજરાતી ફિલ્મ એક્ટર સૌરભ રાજ્યગુરુ કરી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત નશાનેનકારો, જીવનને સ્વીકારો સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે 8 મિનિટનું સ્ટ્રીટ પ્લે(રંગભૂમિ રજૂઆત) તૈયાર કરવામાં આવ્યું છે.
મહત્ત્વનું છે કે, 4 ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં જઈને ચોકમાં, મોટાભાગની સ્કૂલોમાં જઈને આ નાટક બતાવે છે કે જેથી ખાસ કરીને યુવાઓમાં અને બાળકોમાં જાગૃતિ આવે. આ પહેલ ખાસ કરીને જનહિતને ધ્યાનમાં રાખીને કરાઈ છે.
હાલમાં આ અભિયાન દ્વારા 25થી વધુ શાળાઓમાં કાર્યક્રમ યોજાઈ ચૂક્યા છે, જેમાં વિદ્યાર્થીઓ, યુવાવર્ગ, માતા-પિતા તથા સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. આગામી 3-6 મહિનામાં સમગ્ર ગુજરાતના ગામડાં, શહેરો અને તાલુકાઓ સુધી પહોંચવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે, જેથી વ્યસનમુક્તિનો સંદેશ દરેક ઘર સુધી પહોંચે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી શકે.
આ અભિયાનનું સંચાલન કરી રહેલ સૌરભ રાજ્યુગુરુ કે જેઓ પોતે એક સારા અભિનેતા અને ગાયક છે તેઓ જણાવે છે કે, અત્યારના સમયમાં મોટા ભાગના યુવાઓ અને ઘણાં બાળકો પણ વ્યસનના આદિ થઈ ગયા છે, જુગાર, સટ્ટો, ઓનલાઇન ગેમિંગ, મોબાઈલ એડિક્શન વગેરે ખરાબ આદત અને કેટલાકને ખરાબ સંગતના કારણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમે આ 8 મિનિટના પ્લે દ્વારા લોકોને જાગૃત કરવા માંગીએ છીએ. અમે અત્યાર સુધી બાવળા, ધોળકા, વિરમગામ,સાણંદ સહીત ઘણા શહેરો અને ગામડાંઓ સુધી અમારા આ અભિયાનને પહોચાડ્યું છે અને અમને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો છે. જનહિત માટેની આ પહેલની એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી રહ્યાં છે. અમે આ નાટક દ્વારા લોકોના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી તેઓ સમયસર સચેત થઈ જીવનને નવી દિશામાં લઈ જઈ શકે. શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય, સંસ્કાર અને સુખાકારી માટે જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.