Gandhinagar | DA Hike: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરીને તેને 55% પર પહોંચાડવામાં આવ્યું છે. આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વધારાની સાથે જ બાકી નીકળતા એરિયર્સની ચૂકવણી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત એસ.ટી. નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 2 ટકા વધારવામાં આવ્યું છે. આ સાથે જ હવે એસ.ટી. નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 53 ટકાથી વધીને 55 ટકા પર પહોંચી ગયું છે.
આ મામલે કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પોસ્ટ મૂકીને જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ, એસ.ટી નિગમના કર્મચારીઓને અત્યારે ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરીને હવે 55 ટકા મુજબ ચૂકવવામાં આવશે. આટલું જ નહીં, મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે એરિયર્સની પણ ચૂકવણી કરવામાં આવશે.
એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર !
— Harsh Sanghavi (@sanghaviharsh) August 26, 2025
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨% ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના…
સરકારના આ નિર્ણયથી એસ.ટી. નિગમના કર્મચારીઓને રૂ. 30 કરોડથી વધુનો લાભ મળશે. ટૂંક સમયમાં આ મામલે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
ગયા વર્ષે એસ.ટી નિગમની સંકલન સમિતિની માંગ સરકારે સ્વીકારી હતી
ગત વર્ષે પણ એસ.ટી. નિગમના 3 યુનિયનની બનેલી સંકલન સમિતિએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતુ. જેમાં પોતાના પ્રશ્નોનો હલ ના આવે તો જલદ્દ આંદોલનની ચેતવણી આપવામાં આવી હતી. આખરે તે સમયે પણ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટર પર સંકલન સમિતિની માંગ સ્વીકારવા સાથે એસ.ટી કર્મચારીઓને 4 ટકા ડીએ વધારો આપવાની જાહેરાત કરી હતી.