Vadodara: સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષે વાજતે ગાજતે ગણેશોત્સવ ઉજવાય છે, પરંતુ આ વર્ષે શહેરના પાણીગેટ વિસ્તારમાં બનેલી એક ઘટના ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી સાબિત થઈ છે. ગત મોડી રાતે મદાર માર્કેટ પાસે પસાર થતી ગણેશજીની મૂર્તિ પર અજાણ્યા શખ્સોએ ઇંડા ફેંકતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા અને તપાસ હાથ ધરી હતી.
હકીકતમાં નિર્મલ પાર્ક યુવક મંડળના સભ્યો ગત રાતે અઢી વાગ્યે કિશનવાડીથી ગણેશજીની મૂર્તિ લઇ નીકળ્યા હતા. આ સમયે મદાર માર્કેટ નજીક અજાણ્યા અસામાજિક તત્વોએ બિલ્ડિંગમાંથી ઇંડા ફેંકી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી.
આ બનાવ બાદ ક્રાઇમ બ્રાન્ચ, એલ.સી.બી. સહિત પોલીસની 12 ટીમો આરોપીઓને શોધવા તાત્કાલિક કામે લાગી ગઈ હતી. CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રો મારફતે કરવામાં આવેલી તપાસ બાદ ગણતરીના કલાકોમાં એક સગીર સહીત ત્રણ આરોપીઓને દબોચવામાં આવ્યા.
પોલીસે સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઇ મન્સુરી (20), શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશી (29) અને એક સગીરને ઝડપી પાડ્યા છે. ત્રણેય વાડી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક પુછપરછમાં તેમણે મજાક અને ટીખળ કરવા માટે આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું છે. આમ છતાં પોલીસ દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે પાછળ કોઇ અન્ય ઇરાદો તો નથી ને.
આ બનાવને કારણે વિસ્તારમાં તણાવજનક પરિસ્થિતિ સર્જાતા પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ધાર્મિક શાંતિ ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.