Kheda: સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવાયા, જિલ્લા વહિવટી તંત્રએ એરલિફ્ટ કર્યા

ખેડા જિલ્લાના ઘરોડા ગામ નજીક સાબરમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Tue 26 Aug 2025 11:07 PM (IST)Updated: Tue 26 Aug 2025 11:07 PM (IST)
kheda-three-people-trapped-in-the-sabarmati-river-were-rescued-the-district-administration-airlifted-them-592326

Kheda: તાજેતરના વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. ધરોઈ ડેમ અને ગાંધીનગરના સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવતા, વાસણા બેરેજના દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ કારણે સાબરમતી નદીનું જળસ્તર વધ્યું છે અને રિવરફ્રન્ટના નીચાણવાળા વોક-વે બંધ કરી દેવામાં આવ્યા છે. નદીના કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.ત્યારે આજે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં ફસાયેલા ત્રણ લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા હતા.

પૂરની પરિસ્થિતિ અને રેસ્ક્યુની વિગતો
ખેડા જિલ્લાના ઘરોડા ગામ નજીક સાબરમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી ગામના સરપંચે તુરંત જ વહીવટી તંત્રને આપી હતી. ફસાયેલા લોકોમાં ધનજીભાઈ રામાભાઈ દેવીપૂજક, મંગાભાઈ ખોડાભાઈ ઠાકોર અને પૂરીબેન મંગાભાઈ ઠાકોરનો સમાવેશ થતો હતો. નદીમાં પાણીનો પ્રવાહ એટલો હતો કે બોટ દ્વારા 1.2 કિલોમીટર સુધી પહોંચી શકાય તેમ નહોતું, જેના કારણે સામાન્ય રેસ્ક્યુ ઓપરેશન શક્ય નહોતું.

હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ ઓપરેશન
પરિસ્થિતિની ગંભીરતાને જોતા, જિલ્લા વહીવટી તંત્રએ એરફોર્સની મદદ લેવાનો નિર્ણય કર્યો. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી સુરજ બારોટના ઉત્તમ સંકલનથી સાંજે 6:00 વાગ્યે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ત્રણેય વ્યક્તિઓને સફળતાપૂર્વક એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા. આ ઝડપી અને સુનિયોજિત કાર્યવાહીને કારણે ત્રણેય લોકોનો જીવ બચાવી શકાયો હતો.