Surat: સુરત SOG પોલીસે વિધર્મી યુવકને ઝડપી પાડ્યો છે. જેણે તેની પત્ની તેમજ સાસરિયાઓને પોતે હિન્દુ હોવાની ઓળખ આપવા માટે હિન્દુ નામે બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતુ. આટલું જ નહીં, આ આધાર કાર્ડ પરથી બેંકમાં ખાતું પણ ખોલાવ્યું હતુ.
હકીકતમાં સુરત શહેર SOG પોલીસને બાતમી મળી હતી કે, એક મુસ્લિમ યુવક પોતાના હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવીને પાંડેસરા વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી ફુલફામ હસન ઉર્ફે હની યાદવ અકબર અલી શા (ઉ.24) ને ઝડપી પાડ્યો હતો, જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને અહીં સિલાઈ કામ કરતો હતો.
આ પણ વાંચો
ફુલફામ હસન ઉર્ફે હની યાદવ પાસેથી મુસ્લિમ નામ વાળું એક સાચું આધારકાર્ડ, મુસ્લિમ નામ વાળું સાચું એક પાન કાર્ડ, હિન્દુ નામવાળું ખોટું આધાર કાર્ડ અને હિન્દુ નામ વાળા બેંક એકાઉન્ટની પાસબુક તથા એક મોબાઈલ ફોન મળી કુલ 25 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ફૂલફામ હસને હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આથી તેની પત્નીના પરિવારના લોકો સમક્ષ પોતાની હિન્દુ તરીકેની ઓળખ બતાવવા માટે તેની સાચી ઓળખ છુપાવી પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામનું ખોટું આધારકાર્ડ બનાવ્યું હતું. જેના આધારે બેંકમાં ખાતું ખોલાવી હિન્દુ તરીકે રહેતો હતો. આરોપી સામે પાંડેસરા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.