Ambaji Bhadarvi Poonam 2025 Date | અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2025 તારીખ: અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન માતાજીના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વર્ષે મેળામાં મોટી સંખ્યામાં માઇભક્તો આવવાની શક્યતાને જોતા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્ર્સ્ટ દ્વારા વિશેષ સુવિધા સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
1થી 6 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં આરતી અને દર્શનનો સમય
- આરતી સવારે 6 થી 6:30 વાગ્યા સુધી થશે.
- દર્શન સવારે 6 થી 11:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
- દર્શન 11:30 થી 12:30 વાગ્યા સુધી બંધ રહેશે.
- બપોરના દર્શન 12:30 થી 17:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- દર્શન સાંજે 5 થી 7 વાગ્યા સુધી બંધ રહેશે.
- સાંજે, આરતી 7 થી 7:30 વાગ્યા સુધી થશે.
- દર્શન 7 થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- દર્શન રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.
7 સપ્ટેમ્બરનો અંબાજીમાં આરતી અને દર્શનનો સમય
- રવિવારે પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી આરતી સવારે 6 થી 6:30 વાગ્યા સુધી થશે.
- દર્શન સવારે 6:00 થી 10:00 સુધી ખુલ્લા રહેશે.
- ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના શિખર પર બપોરે 12:30 વાગ્યા બાદ ધ્વજારોહણ થઈ શકશે નહી.
- શયનકાળ આરતી બંધ મંદિરમાં જાળીમાંથી બપોરે 12 થી 12:30 વાગ્યા સુધી થશે.
- દર્શન બપોરે 12:30 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- દર્શન સાંજે 5 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.
- 8 સપ્ટેમ્બર, 2024 થી આરતી દર્શનનો સમય રાબેતા મુજબનો રહેશે.
પ્રસાદ વિતરણ કેન્દ્ર
- અંબાજી મંદિર ચાચર ચોક
- નજીકના ગેટ નંબર 7
- શક્તિદ્વારની સામે
- ગબ્બર તળેટી- કેન્ટીન
- નિયમિત પ્રસાદ કેન્દ્ર
વિનામુલ્યે ભોજન સુવિધા
- દિવાળી બા ગુરુભવન
- અંબિકા ભોજનાલય
- ગબ્બર ગેટની બાજુમાં
ભક્તોની સુરક્ષા માટે 10 કરોડનો વીમો
અંબાજી મંદિર ટ્રસ્ટે ભક્તોની સુરક્ષા માટે 10 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. આ વીમો ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લામાં 50 કિલોમીટર સુધીના અકસ્માતોને આવરી લેશે. અકસ્માત થવા પર કોર્ટમાં ક્લેમ કરી શકાશે અને કોર્ટ દ્વારા નક્કી કરેલી રકમ ચૂકવવામાં આવશે. મંદિર વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે આ વીમા કવચ ગયા વર્ષે 3 કરોડ રૂપિયા હતું, જે આ વર્ષે વધારીને 10 કરોડ કરવામાં આવ્યું છે. લાખો ભક્તોની યાત્રા સુરક્ષિત રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.
માઈભક્તો માટે વિસામાની વ્યવસ્થા
અંબાજીના મહામેળામાં દૂરથી આવતા માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓ માટે જર્મન ટેકનોલોજીથી બનેલા મોટા વિસામા બનાવવામાં આવ્યા છે. આ વિસામા અંબાજી-હડાદ રોડ, જૂની કોલેજ પરિસર, મંદિર સામેના મુખ્ય માર્ગ, બસ સ્ટેન્ડ અને દાંતા રોડ પર ઊભા કરાયા છે. વિસામામાં પીવાના પાણી, શૌચાલય અને મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ભક્તો કોઈપણ અગવડતા વિના યાત્રાનો આનંદ માણી શકે તે માટે આયોજન કરાયું છે.
આ પણ વાંચો
એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવાશે
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે. યાત્રાળુઓની સુવિધા માટે એસ.ટી.ના 4 વિભાગો કાર્યરત રહેશે. ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા ભાવિકો માટે 10 હંગામી બૂથ ઊભા કરાશે. અંબાજી ખાતે 1000થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. બસ ડેપો મેનેજર કે. પી. ચૌહાણના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર અને GSRTC દ્વારા વિશેષ બસ વ્યવસ્થા ગોઠવાઈ છે. યાત્રાળુઓની સરળતા માટે હંગામી બસ સ્ટોપ બનાવાયા છે. વાહન પાર્કિંગથી ખોડીવલ્લી સર્કલ સુધી નિ:શુલ્ક મિની બસોની વ્યવસ્થા કરાઈ છે. કામાખ્યા મંદિર નજીક પાર્કિંગ સ્થળ પર મીની બસોની સંખ્યામાં વધારો કરાયો છે.
યાત્રાળુઓ માટે પાર્કિંગની સુવિધા
ભાદરવી પૂનમના મેળામાં લાખો યાત્રાળુઓ માટે મંદિર ટ્રસ્ટે હાઈવે પર 35 પાર્કિંગ સ્થળ બનાવ્યા છે. ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર માટે દાંતા રોડ પર 23 અને હડાદ રોડ પર 12 પાર્કિંગ ઉપલબ્ધ છે. આ વર્ષે સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ થઈ છે, જેમાં QR કોડથી એડવાન્સ બુકિંગ થઈ શકશે. અંબાજી આવતા વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ મેળવી શકશે.