Rajkot: સોરઠીયાવાડી સર્કલ નજીક કારખાનાની ગુડ્સ લિફ્ટમાં ગળું ફસાઈ જતાં યુવકનું કમકમાટીભર્યું મોત, પરિવારમાં કલ્પાંત

કારખાનામાં કામ કરતાં મોટાભાઈને મળવા માટે નાનોભાઈ આવ્યો હતો. ત્રીજા માળે લિફ્ટ બંધ થઈ જતાં મોંઢું બહાર કાઢ્યુ, તે સાથે જ લિફ્ટ ચાલુ થઈ જતાં માથું છૂંદાઈ ગયું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 26 Aug 2025 06:41 PM (IST)Updated: Tue 26 Aug 2025 06:41 PM (IST)
rajkot-news-man-dead-due-to-stuck-in-goods-lift-at-factory-near-sorathiya-circle-592233
HIGHLIGHTS
  • માલવાહક લિફ્ટમાં અકસ્માતના પગલે ઘડિયાળના કારખાનામાં દેકારો

Rajkot: શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા ઘડિયાળના કારખાનાની માલવાહક લિફટમાં ગળાનો ભાગ ફસાઇ જતા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલા ઝૂંપડામાં રહેતા મહેશ બાબુ સોલંકી ગઇ તા. 23ના રોજ સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલા આકાશ વોચ ટાઇમ નામનાં કારખાનામાં તેનો ભાઇ કામ કરતો હોય તેને મળવા માટે ગયો હતો. જ્યાં મહેશ પૂંઠાનો સામાન લેવા માટે માલ વાહક લિફટમા બેસીને ત્રીજા માળે તરફ જતો હતો, ત્યારે લિફટ અચાનક બંધ થઇ ગઇ હતી.

આ સમયે મહેશે પોતાનાં મોઢાનો ભાગ બહાર કાઢતા લિફટ અચાનક ચાલુ થતા તેનુ ગળું અને માથુ લિફટની વચ્ચે ફસાઇ ગયુ હતુ. જેથી દેકારો મચી જતા કારખાનામાં કામ કરતા અન્ય મજૂરો દોડીને આવી પહોંચ્યા હતા. જે બાદ તરત જ તેમને નીચે ઉતારી જોતા મહેશને મોઢાનાં ભાગે અને ગળાનાં ભાગે ગંભીર ઇજાઓ થઇ હોય સૌ પ્રથમ ગોકુલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ.

આ બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકનાં એએસઆઇ હરસુરભાઇ ડાંગર અને પ્રશાંતસિંહ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરુરી કાગળોની કાર્યવાહી કરી હતી. મૃતક મહેશ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો . તેનાં મોટા ભાઇ ઘડીયાળનાં કારખાનામા કામ કરતો હોય જેથી અવાર નવાર કારખાને બેસવા જતો હતો, ત્યારે આ ઘટનાથી મૃતકનાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.