Ambaji Bhadarvi Maha Mela 2025: ગુજરાત એસ.ટી. નિગમ(GSRTC) દ્વારા આગામી ભાદરવી પૂનમના મહામેળામાં દર્શનાર્થીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે, તારીખ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 સુધી યોજાનારા મેળામાં કુલ 5500 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. આ બસો અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા મુખ્ય સ્થળો માટે દોડશે, જેથી યાત્રાળુઓને સરળતાથી અવરજવર કરી શકાય.
4 હજાર કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે રહેશે
ગૃહરાજ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગત વર્ષે અંબાજીના મેળામાં 5100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમાં 10.92 લાખ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. આ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે દર્શનાર્થીઓ માટે વધુ સુવિધાજનક રહેશે.
ભાદરવી પૂનમ મહામેળામાં દર્શનાર્થીઓ માટે એસ.ટી. નિગમની વિશેષ વ્યવસ્થા ! 🚩
— Harsh Sanghavi (@sanghaviharsh) August 26, 2025
✔️ ગુજરાત એસ.ટી.એ ગત વર્ષે અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ૫૧૦૦ એક્સ્ટ્રા બસો સાથે ૧૦.૯૨ લાખ દર્શનાર્થીઓને સેવા આપી હતી.
✔️ આ વર્ષે અંબાજીના મહિમાવંત ભાદરવી પૂનમના મહામેળામાં તા. ૦૧/૦૯/૨૦૨૫થી ૦૭/૦૯/૨૦૨૫… pic.twitter.com/brB0C1qlOS
મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને 24x7 GPS મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પેસેન્જર શેડ, લાઈન/ક્યુ, જાહેર શૌચાલય અને પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. યાત્રાળુઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 4000 કર્મચારીઓનો સ્ટાફ પણ ખડેપગે હાજર રહેશે.
નજીકના સ્થળોએથી મીની બસોની વ્યવસ્થા
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું છેકે, નજીકના મુખ્ય સ્થળોથી અંબાજી આવવા માટે સ્પેશિયલ મીની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગબ્બરથી અંબાજી RTO માટે 20 બસો, અંબાજીથી દાંતા માટે 15 બસો અને દાંતાથી પાલનપુર માટે 20 બસો દોડાવવામાં આવશે. મુસાફરો માટે હંગામી શેડ, પીવાનું પાણી, માઈક એનાઉન્સમેન્ટ, બેનર્સ અને જાહેર શૌચાલય જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. એસ.ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમના મેળાને સફળ બનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને યાત્રાળુઓને સલામત અને સરળ યાત્રાનો અનુભવ કરાવવા માટે નિગમ કટિબદ્ધ છે.