Kheda News: લીમખેડા તાલુકાના આંતરસુંબા ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત કલાસવા ભુરસીંગભાઇ સોમાભાઇ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ ખેતીમાં ઋતુ પ્રમાણે ખેતી કરે છે, એ સાથે તેઓ શાકભાજીના રોપાની વાવણી કરે છે. તેમજ ગલગોટા અને ગુલાબના ફુલોની ખેતી પણ કરે છે. તેમાંથી તેઓને વાર્ષિક 5 લાખની આસપાસ આવક થાય છે. જેમાંથી 3 લાખ જેટલો ચોખ્ખો નફો મળે છે.

પ્રગતિશીલ ખેડૂત કલાસવા ભુરસીંગભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હું FIG ગૃપનું રજીસ્ટ્રેશન કરાવી આત્મા પ્રોજેક્ટમાં જોડાયો હતો. પ્રાકૃતિક ખેતી વિશે ખેડા જીલ્લાના વડતાલ ખાતે પ્રાકૃતિક ખેતી વિશે 7 દિવસની તાલીમ લીધી હતી. ઘરે આવ્યા પછી મેં પ્રાકૃતિક ખેતીથી મારા ખેતરમાં રીંગણ, મરચા, ટામેટા અને ડુંગળી તથા બાગાયતી આંબા, કેળા અને પપૈયામાં ઘન જીવામૃતનો ઉપયોગ કરીને વાવેતર કર્યુ. તથા દેશી ગાયના ગૌમુત્ર અને ગોબર માથી જીવામૃત બનાવી તેનો ઉપયોગ કર્યો. આમ, પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

રાસાયણિક ખેતીમાં ખાતરનો અને જંતુનાશક દવાનો ખર્ચ વધુ થતો હતો. અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થવા લાગ્યો, જેના કારણે ઉત્પાદન ઓછું મળે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી ખેતીમાં થતા ખર્ચા એકદમ ઓછા થવા લાગ્યા અને શાકભાજીની ગુણવતામાં વધારો થયો, જેથી બજારમાં ભાવ સારા મળવાથી આવકમાં વધારો થયો હતો. પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં અળસિયાનું પ્રમાણ વધવાથી જમીન પોચી બને છે. જમીનની ભેજ શક્તિમાં વધારો થવાથી પિયતની સંખ્યામાં ઘટાડો થયો.

વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી હજી પણ ઘણા લોકો અજાણ છે. તેથી રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે, આ રાસાયણિક ખાતર એક ઝેર છે. જેના કારણે તેનાથી પકવેલું અનાજ ખાવાથી નાના બાળકોને ભયંકર રોગો થવા પામ્યા છે. રોજબરોજ યુવાન પેઢીમાં હાર્ટ અટેક, શ્વાસની તકલીફ જેવા કિસ્સાઓ વધ્યા છે. એની પાછળનું એક મુખ્ય કારણ રાસાયણિક ખાતર અને દવા છે.

તેથી ખેડૂતો આવનાર સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ વળે તો સારું છે, કેમકે પ્રાકૃતિક ખેતીનું અનાજ ગુણકારી હોય છે. સાથે રાસાયણિક ખાતર અને દવા એ ખર્ચાળ ખેતી છોડી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરો જેથી આવક પણ વધશે અને પ્રાકૃતિક ખેતીથી પરીવાર સ્વસ્થ નિરોગી બને છે. ગાય આધારીત ખેતીમાં એટલી ક્ષમતા છે કે બંજર જમીનને પણ ફળદ્ધુપ બનાવી શકે છે. પણ જો ખેડુતોએ આ રાસાયણિક ખાતર અને દવાથી જ ખેતી કરવાનું ચાલું રાખ્યું તો આવનાર વર્ષોમાં જમીન બંજર બની જશે અને તેમાં કોઇ પણ વાવણી કરશો તો તે બીજ અંકુરીત પણ ના થઇ શકે, જેથી તમામ ખેડુત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળો તેવી મારી સલાહ અને અપીલ છે.
