Papaya Farming: રાસાયણિક કે ઝેરયુક્ત કૃષિમાં થતા ખર્ચાઓથી થાકી અને આરોગ્યપ્રદ તેમજ પ્રાકૃતિક કૃષિથી પકવેલ કૃષિ પેદાશો અને ખોરાક ખાવા તેમજ બીજાને પણ તેવો જ આહાર ખવડાવવાની ચાહના ધરાવતા અમરેલીના રાંઢિયા ગામના ખેડૂતને પ્રાકૃતિક કૃષિ સુધી દોરી જાય છે, તે અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા અપીલ કરે છે.

પ્રાકૃતિક ખેતી અપનાવી
છેલ્લા પાંચ-સાત વર્ષથી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ખેતી કરતા વિપુલભાઈ કથીરિયાએ, પ્રાકૃતિક કૃષિમાં એક પ્રયોગ કરતા એકાદ વીઘા જેટલી જમીનમાં પપૈયાની ખેતી શરુ કરી છે, પ્રયોગના ભાગરુપે શરુ થયેલી આ ખેતીને વિપુલભાઈ હજી વધુ વિસ્તારવા માંગે છે.

તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી મગફળી, ચણા, કપાસ અને શાકભાજી પાકોની ખેતી કરી રહ્યા છીએ, તેમાંય મૂલ્ય વર્ધન કરીને મગફળી તેલ અને મરચા પાઉડર (ચટણી) કરીને ખેતરેથી કે ઘરેથી જ તેનું વેચાણ સીધું કરીએ છીએ. આ સાથે એક નવીન પ્રયોગ પણ કર્યો છે. તેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરાયેલી મધુ બિંદુ જાતના દેશી પપૈયાનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કર્યું છે, જેમાં પ્રમાણમાં ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે.

પપૈયાનું વાવેતર કર્યું
વિપુલભાઈ કથીરિયાએ એક વીઘામાં 500 જેટલા થડિયાનું વાવેતર કર્યું છે. તેઓ કહે છે કે, ખાસ વાત તો એ છે કે, પરંપરાગત એટલે કે રાસાયણિક કૃષિથી પકવેલા પપૈયાનો ભાવ પ્રતિ કિલો 8 થી 10 રુપિયા મળે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત પપૈયા બજારમાં 20 થી 25 રુપિયાના ભાવે વેચાણ કરીએ છીએ. આ એટલા માટે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલા પપૈયા સ્વાદ મીઠાશમાં પણ ખૂબ સારા અને પપૈયાની ચમક પણ સારી હોય છે, એટલે ભાવ પણ વધારે મળે છે, જે પ્રાકૃતિક કૃષિનું જમા પાસુ છે. ખેડૂતોને આર્થિક સમૃધ્ધિના દ્વારા ખોલી આપે છે, જમીનનું સ્વાસ્થ્ય જળવાઇ છે અને નાગરિકોને રસાયણમુક્ત ખોરાક મળી રહે છે.

તેમણે પપૈયાના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે પણ એક નવીન પ્રયોગ કર્યો છે, છાણમાં પાણી ઉમેરી, તે ઘટ્ટ પ્રવાહીનો પપૈયાના પાન ઉપર પિછડો ફેરવવામાં આવે તો, જંગલી પશુઓ પપૈયાથી દૂર રહે છે અને પાકને નુકસાન પણ થતું નથી.

વર્ષે એઢળક આવક મેળવે છે
પોતાની જમીનના 20 વીઘા વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતા શ્રી વિપુલભાઈ પપૈયાની ખેતી વિસ્તારની સાથે સરગવાની ખેતીનું પણ આયોજન કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, જમીનનો જીવ બચાવવા અને આરોગ્યમય ભવિષ્ય માટે એકમાત્ર પ્રાકૃતિક કૃષિ જ રસ્તો રહ્યો છે. આજે નહિ તો કાલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને તેનાથી પકવેલ કૃષિ પેદાશો જ આપણા માટે વધારે સાનુકૂળ થઇ રહ્યું હોય તેમ લાગે છે. રાજય સરકાર પણ આ માટે સહાય પૂરી પડે છે, જરુરી હોય તો સહાયનો લાભ મેળવીને આપણે ધરતી માતાના રક્ષણ કાજે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા જેટલું જરુર કરવું રહ્યું. તેઓ ખેતીમાં દેશી ખાતર અને એરંડીના ખોળ ઉપરાંત તેમજ પ્રાકૃતિક ઘટકરુપ જીવામૃત સાધન અગ્નિ આસ્ત્ર સહિતની સામગ્રીનો ઉપયોગ સમયસર કરતા રહે છે.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જરુરી તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે હજારો ખેડૂતોએ રાસાયણિક કૃષિ છોડી ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.
