PM Modi, Suzuki Motor Plant in Gujarat: હાંસલુપરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ-સુઝીકીની ઇવી કાર ઇ-વિટારાને લોન્ચ કરી હતી. સાથે જ બેટરી પ્લાન્ટનુ ઉદ્ઘાટન કર્યુ છે. આ તકે તેમણે વોકલ ફોર લોકલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સ્વદેશીની મારી વ્યાખ્યા ખૂબ જ સરળ છે. પ્રોડક્શનમાં પરસેવો મારા દેશવાસીઓનો હોવો જોઈએ, પછી ભલે પૈસા કોઈના પણ હોય. ડોલર હોય કે પાઉન્ડ, એ કરન્સી કાળી છે કે ગોરી, એનાથી મને કોઈ લેવાદેવા નથી. જે પણ પ્રોડક્શન થાય તેમાં પૈસા ગમે તેના હોય પણ મહેક મારા દેશની માટીની હશે.
પૈસા કોઈના પણ હોય પણ મહેક મારી દેશની માટીની હશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વોકલ ફોર લોકલ એ સ્વદેશી બનવું જોઈએ, આ આપણું જીવન મંત્ર બનવું જોઈએ. ગર્વથી સ્વદેશી તરફ ચાલો. અહીં જાપાન દ્વારા જે વસ્તુઓ બની રહી છે, તે પણ સ્વદેશી છે. મારી સ્વદેશીની વ્યાખ્યા ખૂબ જ સરળ છે. પૈસા કોના લાગે છે, તેનાથી મારે કોઈ લેવાદેવા નથી. એ ડોલર છે, પાઉન્ડ છે, એ કરન્સી કાળી છે, ગોરી છે, મારે કોઈ લેવાદેવા નથી. પરંતુ જે પ્રોડક્શન છે, તેમાં પરસેવો મારા દેશવાસીઓનો હશે. પૈસા કોઈના પણ હોય, પરસેવો આપણો છે. જે પ્રોડક્શન થશે, તેમાં મહેક મારી દેશની માટીની હશે, મારી ભારત માતાની હશે.
ક્લીન એનર્જી અને ક્લીન મોબિલિટી
વડાપ્રધાને ક્લીન એનર્જી અને ક્લીન મોબિલિટીને ભવિષ્ય ગણાવતા કહ્યું કે ભારત ઝડપથી ક્લીન એનર્જી અને ક્લીન મોબિલિટીનું એક વિશ્વસનીય સેન્ટર બનશે. આજે જ્યારે દુનિયા સપ્લાય ચેઇન ડિસરપ્શનથી ઝઝૂમી રહી છે, તેવા સમયે લાગે છે કે ભારતે છેલ્લા દાયકામાં જે નીતિઓ બનાવી તે દેશને કેટલી કામ આવી રહી છે. 2014માં જ્યારે મને દેશની સેવા કરવાનો અવસર મળ્યો ત્યારથી જ અમે તેની તૈયારી શરૂ કરી દીધી હતી. અમે મેક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું અને ગ્લોબલ અને ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર્સ બંને માટે દેશમાં અનુકૂળ વાતાવરણ બનાવ્યું. ભારતમાં મેન્યુફેક્ચરિંગ કાર્યક્ષમ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે અમે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવી રહ્યા છીએ. અમે પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ અને લોજિસ્ટિક પાર્ક્સ બનાવી રહ્યા છીએ. ભારત અનેક સેક્ટર્સમાં મેન્યુફેક્ચરર્સને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવનો લાભ પણ આપી રહ્યું છે.
રોકાણકારો માટે સરળતા
વડાપ્રધાને જણાવ્યું કે અમે અનેક મોટા રિફોર્મ્સ દ્વારા ઇન્વેસ્ટર્સની જૂની મુશ્કેલીઓને પણ દૂર કરી છે. તેનાથી ઇન્વેસ્ટર્સ માટે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગમાં ઇન્વેસ્ટ કરવું સરળ બન્યું છે. તેના પરિણામો આપણી સામે છે. આ દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્શન લગભગ 500% વધ્યું છે. મોબાઇલ ફોન પ્રોડક્શન 2014ની સરખામણીમાં 2700% સુધી વધી ગયું છે. ડિફેન્સ પ્રોડક્શનમાં પણ છેલ્લા દાયકામાં 200%થી વધારે વૃદ્ધિ થઈ છે. આ આજે ભારતના તમામ રાજ્યોને પણ મોટિવેટ કરી રહી છે. તેમની વચ્ચે રિફોર્મ્સને લઈને અને ઇન્વેસ્ટમેન્ટને લઈને એક હેલ્ધી કોમ્પિટિશન શરૂ થઈ છે, જેનો લાભ પૂરા દેશને મળી રહ્યો છે. તેમણે રાજ્યોને પ્રોએક્ટિવ થવા અને પ્રો-ડેવલપમેન્ટ પોલિસી બનાવવા પર ભાર મૂક્યો.
2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય
વડાપ્રધાને કહ્યું કે ભારત અહીં જ રોકાવાનું નથી. અમે જે સેક્ટર્સમાં સારું પ્રદર્શન કર્યું છે તેમાં વધુ સારું કરવાનું છે. આ માટે અમે મિશન મેન્યુફેક્ચરિંગ પર જોર આપી રહ્યા છીએ. આવનારા સમયમાં અમારું ફોકસ ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રી પર રહેશે. સેમીકન્ડક્ટર સેક્ટરમાં ભારત ટેક ઓફ કરી રહ્યું છે. દેશમાં તેના છ પ્લાન્ટ્સ તૈયાર થવાના છે. આપણે સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને વધુ આગળ લઈ જવાનું છે. ભારત સરકાર ઓટો ઇન્ડસ્ટ્રી માટે રેર અર્થ મેગ્નેટની શોર્ટેજિસ સાથે જોડાયેલી મુશ્કેલીઓ પ્રત્યે પણ સજાગ છે. આ દિશામાં દેશના સામર્થ્યને વધારવા માટે અમે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન પણ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત દેશમાં અલગ અલગ જગ્યાઓ પર 1200થી વધુ ખોજ અભિયાન ચલાવવામાં આવશે અને ક્રિટિકલ મિનરલ્સને શોધવામાં આવશે.
આત્મનિર્ભર ભારતનો મંત્ર
વડાપ્રધાને આત્મનિર્ભર ભારતનો મંત્ર આપતા કહ્યું કે 2047માં આપણે એવું હિન્દુસ્તાન બનાવીશું કે તમારી આવનારી અનેક પેઢીઓ તમારા ત્યાગનો ગર્વ કરશે અને તમારા યોગદાનનો ગર્વ કરશે. તેમણે દેશવાસીઓને ગર્વથી સ્વદેશી તરફ ચાલવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની સ્વદેશીની વ્યાખ્યા ખૂબ જ સરળ છે – જે પ્રોડક્શન થાય તેમાં દેશવાસીઓનો પરસેવો હોવો જોઈએ અને તેમાં ભારતની માટીની મહેક હોવી જોઈએ.