Ahmedabad News: અમદાવાદમાં આ નવરાત્રિ પર ગુજરાતનો પ્રથમ ગરબા કાર્નિવલ, 'શેરી સર્કલ ગરબા', યોજાવા જઈ રહ્યો છે. એસ પી રિંગ રોડ પર ઓગણજ પાસે યોજાનારી આ ઇવેન્ટ સંગીત, સંસ્કૃતિ અને ભક્તિનું અનોખું મિશ્રણ રજૂ કરશે. મહત્ત્વનું છે કે, આ કાર્યક્રમનો હેતુ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને આધુનિક સૌંદર્યશાસ્ત્રનો સમન્વય કરીને એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરવાનો છે. સ્થળને રસ્ટિક લાલ, વુડ બ્રાઉન અને બેજ જેવા માટીના રંગોથી સજાવવામાં આવશે, જે એક શાંત અને ઉપચારાત્મક વાતાવરણ ઊભું કરશે.
આ ગરબા કાર્નિવલ દરરોજ રાત્રે 20,000થી વધુ લોકોને મનોરંજન પૂરું પાડશે. પ્રી-ઇવેન્ટ તરીકે 20 સપ્ટેમ્બરે કીર્તિદાન ગઢવી અને 21 સપ્ટેમ્બરે ઇશાની દવે જેવા જાણીતા કલાકારો લાઇવ પર્ફોર્મન્સ આપશે. મુખ્ય નવરાત્રિ કાર્યક્રમમાં માનસી મેરાઈ, વેદાંત રાવત, આયુષ અને નરેશ બારોટનું પ્રખ્યાત મંડલી ગ્રુપ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. રાત્રે 11 વાગ્યા પછી મંડલી ગ્રુપ આખી રાત ગરબાનો માહોલ જીવંત રાખશે. આ કાર્નિવલમાં ગરબા ઉપરાંત, વિવિધ વયજૂથ માટે મનોરંજન અને ઉપચારાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આયોજકોએ જણાવ્યું છે કે શેરી સર્કલ ગરબાનો હેતુ નવરાત્રિની મૂળ ભાવના અને તેના સાચા સારને પુનર્જીવિત કરવાનો છે. તેમણે કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે લોકો માત્ર ગરબા ન કરે, પરંતુ નવરાત્રિની આધ્યાત્મિક ભાવનાને પણ અનુભવે. આ ઇવેન્ટ એનરાઇઝ એન્ટરટેઇનમેન્ટ, વીજે ઇનોવેશન્સ, જેઆરકે ફિલ્મ્સ અને વ્હાય નોટ એન્ટરટેઇન્મેન્ટના સહયોગથી યોજાઈ રહી છે.