Surendranagar News: ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી તરણેતર લોકમેળાનો પ્રારંભ, 60 જેટલા સ્વચ્છતા યોદ્ધાઓ કાર્યરત

આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 26 Aug 2025 06:57 PM (IST)Updated: Tue 26 Aug 2025 06:57 PM (IST)
surendranagar-news-tarnetar-lok-mela-2025-begins-with-worship-of-trinetreshwar-mahadev-592240

Surendranagar News: કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્‍યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. 60 જેટલા સ્વચ્છતા યોદ્ધાઓ કાર્યરત છે.

તરણેતર લોકમેળાને ખુલ્‍લો મુક્યો બાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્‍કૃતિક વિરાસતનો સમૃધ્‍ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પંચાયત વિભાગ દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારુ આયોજન કાર્ય કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવા જિલ્લા વહીવટી તંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું. ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજન–અર્ચન બાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સર્વ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ સહિતના મહાનુભાવોએ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા. બાદમાં તરણેતર લોકમેળાના મેળાના આકર્ષણ સમા ગ્રામીણ ઓલિમ્પિક અને વિસરતા વારસાનું જતન અને સંવર્ધન માટે મેળામાં યોજાયેલી દ્વિતીય પારંપારિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ચોટીલા નાયબ કલેકટર હરેશ મકવાણા, પ્રાંત અધિકારી સર્વ હર્ષદીપ આચાર્ય, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકમેળામાં દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ

તરણેતરના મેળામાં દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો છે. ઉપસ્થિત સર્વેએ રસપૂર્વક સ્પર્ધાઓ નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ વિવિધ પરંપરાગત સ્પર્ધાઓ મેળાનું મુખ્ય આકર્ષણ બની હતી. જેમાં પ્રથમ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામી હતી. જેમાં રાવણહથ્થો ગાયન સાથે, ઢોલ, વાંસળી, મોરલી, સિંગલ પાવા, જોડીયા પાવા, ડાક - ડમરૂ, શરણાઈ, શંખ, ઝાલર, મંજીરા/ઝાંઝ, કરતાલ શ્રેણીમાં સ્પર્ધા યોજાઈ હતી. આવતીકાલે ભજન, લોકગીત, દુહા - છંદ, લોકવાર્તા, ભવાઈ, એકપાત્રિય અભિનય, બહુરૂપી, પારંપરિક ભરતગુંથણ, લાકડી ફેરવવી, ભૂંગળ સહિતની સ્પર્ધાઓ યોજાશે.

તરણેતરના મેળાને સ્વચ્છ અને સુઘડ રાખવા 60 જેટલા સ્વચ્છતા યોદ્ધાઓ કાર્યરત

મેળો હોય કે કોઈ પણ સ્થળ સ્વછતા થકી સ્વસ્થતાનો સંદેશ આપતા સફાઈ કામદારોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તરણેતરનો મેળો લાખોની સંખ્યામાં જનમેદનીને આકર્ષે છે. આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે ત્યારે સ્વરછતા જાળવી રાખવી એ મોટું પડકારજનક કાર્ય બની રહે પણ તરણેતરના મેળામાં 60 જેટલા સફાઈ કર્મીઓ મેળામાં આવતા લોકો માટે મેળો એક સુખદ સ્વચ્છ અનુભવ બની રહે તે માટે સતત પ્રયાસરત છે.

મેળામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય છે ત્યારે ગંદકી ના ફેલાય તે માટે આ સફાઈકર્મીઓ સતત કામગીરી કરી રહ્યાં છે. આ કર્મચારીઓ મેળાની શરૂઆતથી લઈને મેળાના અંત સુધી અંદાજે દસ દિવસો સુધી કામગીરી કરવાના છે તથા મેળા વિસ્તાર અને આસપાસના સ્થળોની સાફ સફાઈ કરીને મેળાને ચોખ્ખો રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. જેથી મેળો માણવા આવનારા નાગરિકોને સ્વચ્છતાભર્યું વાતાવરણ મળી રહ્યું છે.