Surendranagar News: સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. 26 થી 29 ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
26 ઓગસ્ટે કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે
આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તા. 26 ઓગસ્ટના રોજ પ્રવાસનમંત્રી મુળુ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે 9.30 વાગ્યે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10.30 વાગ્યે દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન મંત્રીઓના વરદહસ્તે કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા રાત્રે 9.30 વાગ્યે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
27 ઓગસ્ટે લોકડાયરાનું આયોજન
ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તા. 27 ઓગસ્ટના રોજ સાંજે 5.30 વાગ્યે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે 9 વાગ્યે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.
28 ઓગસ્ટે મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી
ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. 28 ઓગસ્ટના રોજ સવારે 6.30 વાગ્યે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે 8.30 વાગ્યે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે.
સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, પ્રવાસન મંત્રી મુળુ બેરા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી પરષોત્તમ સોલંકી, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે. રાત્રે 9.30 વાગ્યે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
29 ઓગસ્ટે ગંગા વિદાય આરતી
ભાદરવા સુદ છઠ્ઠ તા. 29 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. પુરાતન પાંચાળની સોડમને ઉજાગર કરતા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણ પટેલ, સાંસદ ચંદુ શિહોરા, ધારાસભ્યો શામજી ચૌહાણ, કિરીટસિંહ રાણા, પ્રકાશ વરમોરા, પી.કે.પરમાર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ સહભાગી બનશે.