Surat: સુરતના અમરોલી વિસ્તારમાંથી 3 વર્ષના બાળકનું અપરહણ કરીને હત્યા કરનાર આરોપીને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીને કામધંધો કરવા બાબતે માસીએ ઠપકો આપતાં તેણે માસીના જ પુત્રનું અપહરણ કરીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મૂળ બિહારના સિવાન જિલ્લાના વતની રાજેન્દ્ર જીઉત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની પત્ની દુર્ગાદેવી તેના બે સંતાનોના અભ્યાસ અર્થે સુરતના અમરોલી સ્થિત ક્રિષ્નાનગર પાસે રહે છે. ગત સપ્તાહે દુર્ગાદેવીની મોટી બહેન રાબડીદેવી બિનશુલદયાળ તેના પુત્ર વિકાસ (30) સાથે રહેવા આવી હતી. આ દરમ્યાન ગત 21 ઓગસ્ટના રોજ વિકાસ દુર્ગાદેવીના 3 વર્ષના પુત્ર આકાશનું અપહરણ કરીને લઇ ગયો હતો. આ સાથે માસી દુર્ગાદેવીનો મોબાઈલ ફોન પણ લઇ ગયો હતો.
પોલીસે 1 કિલોમીટર પાછળ દોડીને આરોપીને દબોચ્યો
મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલ્વે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં એસી કોચના ટોયલેટમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને સુરત ક્રાઈમ બ્રાંચ અને અમરોલી પોલીસની ટીમે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો
આ 3 દિવસની સતત મહેનત બાદ પોલીસને આરોપી વિકાસ બીશુનદયાળ શાહ (30) ને પકડવામાં સફળતા મળી છે. આરોપી મુંબઈના BKS વિસ્તારમાં પોલીસને જોઇને ભાગવા લાગતા 1 કિલોમીટર પાછળ દોડીને આરોપીને પકડ્યો હતો.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી પોતે અગાઉ સઉદી અરેબિયા, કતાર, કુવૈતમાં મજૂરી કામ કરતો હતો અને એપ્રિલ-2025માં સાઉદી અરેબિયાથી પરત પોતાના વતન બિહાર ખાતે આવ્યો હતો. હાલમાં બેકાર હોવાથી છેલ્લા પંદર દિવસથી તેની માતા સાથે કામધંધા અર્થે સુરત ખાતે રહેતા તેના માસીના ઘરે આવ્યો હતો અને નોકરી શોધતો હતો.
જ્યાં તેના માસી અવાર નવાર તેને કામધંધો શોધી લેવા કહેતા હતા તેમજ કામધંધો કરવા ન જવું હોય તો અન્ય જગ્યાએ ભાડેથી રહેવા ચાલી જવા ટોકતા આરોપીને તે મનમાં લાગી આવ્યું હતું અને માસીના જ દીકરાનું અપહરણ કરીને મારી નાંખ્યો હતો.
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે, 22 ઓગસ્ટના રોજ બાળકની લાશ લોકમાન્ય તિલક રેલ્વે સ્ટેશનની હદમાંથી ટ્રેનમાં ડબ્બામાંથી બાળકની લાશ મળી આવી હતી. જેમાં બાળકનું ગળું કાપવામાં આવ્યું હતું. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ તરત જ તપાસમાં ત્યાં પહોચી હતી અને છેલ્લા 4 દિવસથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી. આ આરોપી સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. દિવસમાં એકાદ વાર ફોન શરુ કરીને બંધ કરી દેતો હતો.
ગઈ કાલે રાતે ફરીથી BKC વિસ્તારમાં રાતના સમયે શરુ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કરીને એક જગ્યાએ દેખાતા આરોપી પોલીસને જોઇને ભાગ્યો હતો અને 1 કિલોમીટર સુધી ચેસ કરીને ક્રાઈમ બ્રાંચની ટીમે તેને પકડ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ બાંદ્રા વિસ્તારમાં તેનું લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તારમાં 1 દિવસ આખો તપાસ કરી હતી. બીજા દિવસે કુર્લા વિસ્તારમાં એક વાર ફોન ચાલુ કરીને બંધ કરી દીધો હતો, તો પોલીસની ટીમે આખો દિવસ કુર્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કુટર, સાયકલ, રીક્ષા આ બધામાં બેસીને સર્વેલન્સ કરતા હતા. આ ઉપરાંત રેલ્વેના પ્લેટફોર્મ, બંધ ડબ્બાઓ, પ્લેટફોર્મ વગેરે જગ્યાએ પણ તપાસ કરવામાં આવી હતી.
આરોપી વિકાસ મરનાર બાળકના સગા માસીનો દીકરો છે. આરોપી અગાઉ કતાર, સઉદી અરેબિયા જેવા દેશોમાં નોકરી કરી હતી અને ગત એપ્રિલ મહિનામાં તે ભારત આવી ગયો હતો અને તે કોઈ કામધંધો કરતો ના હતો. સુરતમાં તેની માસીના ઘરે પંદરેક દિવસ અગાઉ તેની મમ્મી અને બહેન સાથે આવ્યો હતો અને તેની મમ્મી અને બહેન પરત જતા હતા, પરંતુ આરોપીને પરત જવું નહતું અને એમની સાથે અહિયાં માસીના ઘરે રહેવું હતું.
આરોપીને કોઈ કામ કરવું નહતું અને માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયું હતું અને આ અનુસંધાને માસીના દીકરાનું ગત 21 ઓગસ્ટના રોજ બપોરે અપહરણ કરીને લઇ ગયો હતો અને ટ્રેનના ડબ્બામાં ગળું કાપીને ટોયલેટમાં મુકીને જતો રહ્યો હતો. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.