Bhadarvi Poonam Melo 2025: અંબાજીમાં પ્રસાદ વિતરણ માટે તડામાર તૈયારી, 30 લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે 750થી વધુ કારીગરો કાર્યરત

મેળા દરમિયાન કુલ 1000 ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે, જ્યારે મોહનથાળ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં નથી આવતો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 27 Aug 2025 05:12 PM (IST)Updated: Wed 27 Aug 2025 05:12 PM (IST)
banaskantha-collector-mihir-patel-open-prasad-ghar-for-ambaji-bhadarvi-poonam-maha-mela-2025-592686
HIGHLIGHTS
  • જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પ્રસાદ ઘરનો શુભારંભ
  • 27થી વધુ પ્રસાદ વેચાણ કેન્દ્રો ઉભા કરવામાં આવશે

Ambaji Bhadarvi Poonam Maha Mela 2025: શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ 29 સમિતિઓ બનાવવામાં આવી છે.

આજરોજ અંબાજી ખાતે કલેક્ટર મિહિર પટેલ દ્વારા આદ્યશક્તિની આરાધના કરી પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે કલેકટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીની નોડલ તરીકે નિમણૂંક કરાઈ છે. જેમાં મોહનથાળ, ચિક્કીની પ્રસાદનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરાશે.

શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે, ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે કલેકટર મિહિર પટેલ દ્વારા સૂચન કરાયું હતું.

મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ નથી કરવામાં આવતો

અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં 326.5 કિ.ગ્રા.પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન 100 કી.ગ્રા, ખાંડ 150 કી.ગ્રા, ઘી 76.5 કી.ગ્રા અને ઈલાયચી 200 ગ્રામ એમ કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે.

ભાદરવી પૂનમ મહા મેળામાં મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ 1000 ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. પ્રસાદ ઘરમાં કુલ 750 જેટલા કારીગરો કામમાં રોકાયેલા છે.

મેળા દરમ્યાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ - 27 જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.