Rajkot: કેરાલામાં રૂ. 7.65 કરોડના સાયબર ફ્રોડનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો, ક્રાઈમ બ્રાન્ચે સફાઈ કામદાર સહિત 3ને દબોચ્યા

કેરલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટ પોલીસની મદદથી પરસાણાનગરમાં દરોડા પાડી આરોપીને પકડ્યા. જેમની પૂછપરછમાં અમદાવાદના ચાર્ટડ એકાઉન્ટન્ટ નિકુંજનું નામ બહાર આવ્યું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 27 Aug 2025 07:36 PM (IST)Updated: Wed 27 Aug 2025 07:37 PM (IST)
rajkot-news-crime-branch-held-3-accused-in-rs-7-crore-cyber-fraud-592770
HIGHLIGHTS
  • રાજકોટના આરોપીના ખાતામાં 10 અને 5 લાખ જમા થયા હતા
  • અલપુઝ્ઝાના દંપતીને ઑનલાઈન ટ્રેડિંગમાં નફો મળશે તેવી લાલચ આપી બાટલામાં ઉતાર્યા હતા

Rajkot: કેરાલામાં થયેલા કરોડોના સાયબર ફ્રોડ મામલે તપાસમાં રાજકોટનું કનેકશન બહાર આવતાં કેરાલા ક્રાઈમ બ્રાંચની ટીમ રાજકોટ દોડી આવી હતી અને શહેર ક્રાઈમ બ્રાંચને સાથે રાખી પરસાણાનગર અને મવડી પ્લોટમાં દરોડા પાડ્યા હતા. આ છેતરપિંડીમાં મદદગારી કરનાર ત્રણ શખ્સોને ઉઠાવી લીધા હતાં. આ ત્રણેયની પુછપરછ શરૂ કરવામાં આવી છે. પકડાયેલામાં એક સફાઈ કામદાર અને એક કોમ્પ્યુટર એન્જિનીયર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના એકાઉન્ટમાં 10 લાખ અને પાંચ લાખ જમા થયા હતાં. કેરાલા પોલીસે બે અલગ અલગ ગુનાની તપાસમાં આ કાર્યવાહી કરી છે.

કેરાલામાં થયેલા કરોડોના સાયબર ફ્રોડની તપાસ કેરાલા સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હોય આ અંગેની તપાસમાં ઓનલાઈન છેતરપિંડીમાં જે રકમ 10 લાખ અને પાંચ લાખ એકાઉન્ટમાં જમા થઈ હોય, તે એકાઉન્ટ રાજકોટના હોવાની માહિતી મળતાં કેરાલા ક્રાઈમ બ્રાંચના પીઆઈ સહિતની ટીમ રાજકોટ આવી હતી અને અહીં ક્રાઈમ બ્રાંચના અધિકારીને મળી મદદ માંગી હતી.

રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમને સાથે રાખી કેરાલા પોલીસે મવડી પ્લોટ અને પરસાણાનગરમાં દરોડા પાડયા હતાં. જેમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં સચિન જેઠવા તેમજ તેની સાથે ઉર્વેશ જેઠવા અને કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરતાં ગૌરાંગ વૈષ્ણવની પુછપરછ કરી હતી. જેમાં સચિન અને ઉર્વેશની પુછપરછમાં કૃતાર્થ સુચકનું નામ ખુલ્યું હતું. જ્યારે ગૌરાંગની પુછપરછમાં અમદાવાદના એક સી.એ. નિકુંજનું નામ બહાર આવ્યું છે.

કેરાલા સાયબર ક્રાઈમની પુછપરછમાં આ બન્ને છેતરપિંડીમાં 10 લાખ અને પાંચ લાખની રકમ એકાઉન્ટમાં જમા થયાનું જાણવા મળ્યું હોય જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે જ કેરાલામાં નોંધાયેલા 7.65 કરોડના સાયબર ફ્રોડમાં ગુજરાતથી તાઈવાનના બે નાગરિકોને કેરાલા પોલીસે ઉઠાવી લીધી હતાં. કેરળના અલપ્પુઝા જિલ્લાના ચેરથાલાના ડોકટર દંપતિને ઓનલાઈન ટ્રેડીંગમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી 7.65 કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી. જેની તપાસમાં કેરાલા પોલીસને ગુજરાતનું કનેકશન ખુલ્યું હતું અને ગુજરાતમાં રહેતાં તાઈવાનના પિંગઝેનના તાઓયુઆનના 35 વર્ષિય શેન વેઈ હાવ અને 26 વર્ષિય વાંગ ચુન વેઈની ધરપકડ કરી હતી.

આ કેસમાં પણ કેરેલા સાયબર ક્રાઈમે મલયાલીમાંથી પાંચ લોકોને ઉઠાવી લેતાં તાઈવાનનું કનેકશન ખુલ્યું હતું. કેરેલામાં થયેલા સાયબર ફ્રોડમાં બીજી વખત ગુજરાત અને રાજકોટનું કનેકશન બહાર આવ્યું છે. જેના આધારે કેરેલા પોલીસે રાજકોટ ક્રાઈમ બ્રાંચને સાથે રાખી દરોડા પાડયા હતાં.