Vadodara: વડોદરા જિલ્લાના પોર નજીક આવેલા સમસાબાદ ગામમાં કુટુંબ કલેશનો કરૂણ અંજામ આવ્યો છે. જેમાં એક યુવકે કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો બનાવ બન્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સમસાબાદ ગામમાં રહેતા રોહિત પાટણવાડીયા અને તેમની પત્ની લક્ષ્મીબેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગઈકાલે પણ દંપતી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આવેશમાં આવેલ રોહિત કુહાડી લઈને પત્ની લક્ષ્મી પર તૂટી પડ્યો હતો.
આ પણ વાંચો
રોહિતે લક્ષ્મીના માથા પર કુહાડીના ફટકા મારતા તે લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગઈ હતી. આ ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક લક્ષ્મીને સારવાર અર્થે પોર હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે લક્ષ્મીની હાલત નાજુક જણાતા તેને વડોદરાની SSG હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી, જ્યાં સારવારના અંતે આજે લક્ષ્મીનું મોત નીપજ્યું છે.
આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલ તો પોલીસે હત્યા કરી ફરાર થઈ ગયેલા રોહિત વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.