Navsari: નવસારી જિલ્લાના મુનસાડ ગામમાં લિવ-ઈન રિલેશનશિપના લોહિયાળ અંતનો કરૂણ બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાની લિવ ઈન પાર્ટનરની ઘાતકી હત્યા કર્યાં બાદ પોતે પણ ખેતરમાં જઈને ઝાડ પર દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજુ હળપતિ નામનો યુવક છેલ્લા 3 વર્ષથી સંગીતા નામની યુવતી સાથે મુનસાડ ગામમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. ગઈકાલે કોઈ બાબતે માથાકૂટ થતાં રાજુએ મુનસાડ ગામમા ખેતરમાં સંગીતાને ચપ્પુના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલા બાદ સંગીતા લોહીના ખાબોચિયામાં ત્યાંજ ફસડાઈ ગઈ હતી, જ્યારે રાજુ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ આ બનાવની જાણ થતાં સંગીતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતુ. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા રાજુની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.
ડ્રોન કેમેરાની મદદથી જોતા હત્યારો ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો
રાજુને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન રાજુનું લાસ્ટ લૉકેશન હત્યાના સ્થળથી 200 મીટર દૂર ખાડીમાં મળ્યું હતુ. જો કે ત્યાં પગપાળા પહોંચવું અશક્ય જણાતા પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. ડ્રોન કેમેરાની મદદથી ખાડીમાં હત્યારા રાજુની શોધ હાથ ધરતાં તેણે ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું માલૂમ પડ્યું હતુ. હાલ તો નવસારી ગ્રામ્ય પોલીસે આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.